Gujarat

પેથાપુરમાં મારામારીના કેસમાં કોર્ટ દ્વારા બે દંપતિને જેલની સજા કરાઇ

By GS TEAM
2 Aug 20252 mins read
પેથાપુરમાં મારામારીના કેસમાં કોર્ટ દ્વારા બે દંપતિને જેલની સજા કરાઇ

દોઢ વર્ષ પહેલા બનાવ બન્યો હતો

બે દંપતિ પૈકી એકમાં પત્નીને એક વર્ષ અને પતિને ૩ મહિના તથા બીજામાં પતિને એક વર્ષ અને પત્નીને ૩ મહિનાની કેદ

ગાંધીનગર :  ગાંધીનગરના પેથાપુર ગામમાં દોઢ વર્ષ પહેલા બનેલા મારામારીના બનાવ સંબંધેનો કેસ ચાલી જતાં ગાંધીનગર કોર્ટ દ્વારા બે દંપતીને કસુરવાન ઠરાવીને કેદ અને દંડની સજા સંભળાવવામાં આવી હતી. માતા અને પુત્રીઓ પર સોસાયટીના દરવાજાને તાળુ મારવા બાતે હુમલો કરનારા બન્ને દંપતી પૈકી એકમાં પત્નીને એક વર્ષ અને પતિને ૩ મહિના તથા બીજામાં પતિને એક વર્ષ અને પત્નીને ૩ મહિનાની કેદ અને દંડ કરાયા હતાં.

પેથાપુરની લાભ રેસીડેન્સીમાં વર્ષ ૨૦૨૩માં જાન્યુઆરી મહિનાની ૩જી તારીખે સોસાયટીના મુખ્ય દરવાજાને તાળુ મારવા મુદ્દે બોલાચાલી બાદ સરોજબેન સત્યપ્રકાશ યાદવે ફરિયાદીની દીકરી નિકિતાનો હાથ મરડી, વાળ પકડી નીચે પાડી દઇ ગડદાપાટુ માર્યા હતાં. સરોજબેનના પતિ સત્યપ્રકાશે ફરિયાદીની બીજી દીકરીને મારી હતી. જ્યારે કોમલબેન અને તેમના પતિ સૂરજસિંહ દલપતસિંહ રાઠોડે ફરિયાદીને ગડદાપાટુ માર્યા હતાં. આ કેસ ગાંધીનગરના સાતમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વી. જી રાણાની કોર્ટમાં ચાલ્યો હતો. ફરિયાદ પક્ષે સરકારી વકીલ પ્રિતેશ વ્યાસે સમાજમાં દાખલો બેસાડવા આરોપીઓને સજા કરવાની કરેલી દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. આ સાથે સરોજબેનને એક વર્ષની સાદી કેદ અને ૧૦ હજાર દંડની સજા, તેના પતિ સત્યપ્રકાશને ૩ મહિનાની કેદ અને ૧ હજારનો દંડ, કોમલબેનને ત્રણ મહિનાની કેદ અને ૧ હજારનો દંડ તેમજ તેમના પતિ સુરજસિંહને એક વર્ષની સાદી કેદની સજા અને રૃ. ૧૦ હજારના દંડની સજા સંભળાવવામાં આવી હતી.