Get The App

દહેગામ ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને કોર્ટે સજા ફટકારી

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
દહેગામ ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને કોર્ટે સજા ફટકારી 1 - image

નવ વર્ષ પહેલા થયેલા હુમલાના કેસમાં

ગાંધીનગર સેશન્સ કોર્ટે નીચલી અદાલતનો નિર્દોષ છૂટકારો કરવાનો આદેશ રદ કર્યો

ગાંધીનગર :  દહેગામમાં નવ વર્ષ અગાઉ જમીન પર બોર્ડ લગાવવા બાબતે થયેલી અથડામણ અને હુમલાના કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે નીચલી અદાલતનો આદેશ રદ કરીને દહેગામના હાલના ભાજપના મહિલા કોર્પોરેટર અને પતિને અલગ અલગ કલમો હેઠળ છ મહિના સુધીની કેદની સજાનો હુકમ કર્યો હતો.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગત ૮ એપ્રિલ ૨૦૧૭ના રોજ બપોરે દહેગામ કોલેજના ગેટ પાસે જમીન પર મારેલા બોર્ડ બાબતે વિવાદ થયો હતો. જેમાં બિપિનભાઈ મંગાભાઈ પટેલ અને તેમના પત્ની હાલ ભાજપના મહિલા કોર્પોરેટર હસ્મિતાબેન પટેલે રમેશચંદ્ર ત્રિવેદી સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી હતી. આટલું જ નહીં, તેમને માર મારી જમીન પર પાડી દીધા બાદ પગમાં હથોડી મારી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે દહેગામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ કેસમાં દહેગામની પ્રિન્સિપલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ૩ નવેમ્બર ૨૦૨૨ના રોજ બન્ને આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા હતા. આ આદેશથી નારાજ થઈને સરકાર વતી સરકારી વકીલ સુનિલ એસ. પંડયા દ્વારા ગાંધીનગર સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. જે કેસ સેશન્સ જજ આશિષ જે. એસ. મલ્હોત્રાની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, ફરિયાદી પોતે ઈજાગ્રસ્ત હોવા છતાં અને મેડિકલ પુરાવા હોવા છતાં નીચલી કોર્ટે પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કર્યું નથી. જેથી સેશન્સ કોર્ટે  સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ટાંકીને અવલોકન કર્યું હતું કે, જ્યારે ફરિયાદી પોતે જ ઈજાગ્રસ્ત સાક્ષી હોય ત્યારે તેની જુબાનીનું મહત્વ વધી જાય છે.

કોઈપણ ઈજાગ્રસ્ત વ્યક્તિ સાચા ગુનેગારને છોડીને કોઈ નિર્દોેષને ખોટી રીતે ફસાવે નહીં. કોર્ટ દ્વારા દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી બીપીનભાઈ મંગાભાઈ પટેલ અને તેમની પત્ની હસ્મિતાબેનને વિવિધ કલમ હેઠળ દોષિત ઠેરવીને બે મહિનાથી છ મહિના સુધીની કેદની સજાનો હુકમ કર્યો હતો