Get The App

સગીર કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને કોર્ટે આજીવન કેદ ફટકારી

બીમાર પત્નીને હોસ્પિટલમાં મુકી આરોપી કિશોરીને અમદાવાદ લઇ ગયો હતો

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
સગીર કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને કોર્ટે આજીવન કેદ ફટકારી 1 - image

વડોદરા : ૧૬ વર્ષની કિશોરીને લગ્નના ઇરાદે ભગાડી જઇ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા બે સંતાનના પિતાને અદાલતે આજીવન કેદની સજા તેમજ રૃા.૧ લાખ દંડ ફટકાર્યો હતો. આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સજાનો આદેશ કરી ન્યાયાધીશે પીડિતાને વળતર પેટે રૃા.૪ લાખ ચૂકવવા માટે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને ભલામણ કરી હતી.

કેસની વિગત એવી છે કે, ડેસર તાલુકાના ઉદલપુર ગામમાં રહેતો સંતોષકુમાર કિરણભાઇ પરમાર (ઉ.વ.૨૯) નામનો શખ્સ ૧૬ વર્ષ ૯ માસની ઉમર ધરાવતી કિશોરીને લગ્નના ઇરાદે ભગાડી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લીધો હતો. તપાસમાં ખુલવા પામ્યું હતું કે, આરોપી પરિણીત છે અને તેને બે સંતાન છે. આરોપી પીડિતાને તેની પત્નિ બીમાર છે તેમ કહીને પોતાની સાથે હોસ્પિટલમાં લઇ જતો હતો.

આરોપી તેની પત્ની જ્યારે હોસ્પિટલમાં દાખલ હતી તે સમયે કિશોરીને અમદાવાદ લઇ ગયો હતો. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા તેમાં સરકારી વકીલ સી.જી.પટેલે દલીલો કરી હતી આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે અને તેણે તેની પત્ની સાથે પણ વિશ્વાસઘાત કર્યો છે. ન્યાયાધીશે આરોપીને પોક્સો એક્ટ હેઠળ કસુરદાર ઠેરવી આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો.