રિક્ષામાં વૃધ્ધાની સોનાની બંગડી તફડંચીના કેસમાં રીક્ષા ચાલકના આગોતરા અદાલતે ફગાવ્યા
આવા ગુના જનતાની સ્વતંત્ર રીતે હેરફેરમાં ગંભીર સમસ્યા સર્જી ભય અને અસુરક્ષાની ભીતિ વધારે છે : કોર્ટ
ઠગોએ બંગડી કાપી લેતા વૃદ્ધાએ પીછો કરી પોલીસને જણાવી પકડાવ્યા હતા
રિક્ષામાં વૃધ્ધાની સોનાની બંગડી કાપી લઈ ફરાર થઈ જવાના કેસમાં વોન્ટેડ આરોપી ધર્મેશ ધીરુભાઈ ચૌહાણ (રહે -રાજુલા,અમરેલી)ની આગોતરા જામીન અરજી કોર્ટે ના મંજૂર કરી હતી.
આજવા ચોકડી પાસેથી રિક્ષામાં બેસેલ 75 વર્ષીય વૃધ્ધાની બે સોનાની બંગડી કાપીને કાઢી લઈ રિક્ષા લઈને ટોળકી ફરાર થઈ જતા વૃધ્ધાએ અન્ય રિક્ષામાં પીછો કરી રસ્તામાં પોલીસ વાનને હકીકત જણાવતા પોલીસે રિક્ષાનો પીછો કરીને વસંત કેશુ સૌલંકી, સુનિલ વિનુ સોલંકી અને હિમ્મત રાઠોડને ઝડપી પાડ્યા હતા જ્યારે ધર્મેશ ધીરુ ચૌહાણ ફરાર થઈ ગયો હતો. દરમ્યાન ધર્મેશ ચૌહાણએ ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ ન્યાયાધીશ મોબીન અબ્દુલરસીદ ટેલરની કોર્ટમાં પોતાના આગોતરા જામીન માંગતી અરજ ગુજારતા સરકાર તરફે ધરાશાસ્ત્રી ડીજીપી અનિલ દેસાઈની દલીલો થઈ હતી કે, એફઆઇઆરમાં આરોપીનું પ્રથમથી જ નામ છે, આરોપી રીક્ષા ચલાવી નાસી છૂટ્યો હોય ગુનામાં મદદગારી પ્રથમ દર્શનીય જણાય આવે છે, ગુનાની ગંભીરતા તથા કાયદાની જોગવાઈઓ જોતા જામીન અરજી રદ કરવી જોઈએ. ન્યાયાધીશએ નોંધ્યું હતું કે, અરજદાર આરોપીએ ગુનો કર્યો ન હોય તો તેને ભાગવાની શું જરૂર હતી, તે જોતા આરોપીનો ગુનામાં રોલ હોવાનું જણાય આવે છે, આવા ગુનાથી જનતાને સ્વતંત્ર રીતે હેરફેર કરવામાં ઘણી ગંભીર તકલીફ ઊભી થવા સાથે ભય અને અસુરક્ષાની ભીતિ વધશે, આવા ગુનાઓની એમઓ અંગે માહિતી મળે તો ગુનાઓ થતા અટકાવી શકાય તેમ છે, જેથી અરજદારને કસ્ટડીમાં રાખી યોગ્ય તપાસ કરવી જરૂરી જણાય છે .