Gujarat

રાજ્યમાં દારૂ ઠાલવતી બિશ્નોઇ ગેંગના બે આરોપીઓની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી

By GS TEAM
21 Jun 20252 mins read
રાજ્યમાં દારૂ ઠાલવતી બિશ્નોઇ ગેંગના બે આરોપીઓની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી



દારૂબંધી હોવા છતાં વિવિધ જિલ્લાના બુટલેગરોને દારૂ સપ્લાય કરી રાજ્યમાં દારૂની રેલમછેલ કરનાર બિશ્નોઇ ગેંગ સહિતના 13 આરોપીઓ સામે એસએમસીએ ગુજસીટોક હેઠળ ગુનો નોંધતા આ ગુનામાં હાલ જેલમાં રહેલ છબીલનાથ રાજપુત (રહે- અમદાવાદ) અને રવિ ઉર્ફે ચામડો (રહે- વડોદરા)ની રેગ્યુલર જામીન અરજીની સુનાવણી હાથ ધરાતા કોર્ટે ખાસ સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી બંનેની જામીન અરજી ના મંજૂર કરી હતી.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજસ્થાન, ગોવા, પંજાબ ,હરિયાણા માંથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડનાર બિશ્નોઇ ગેંગ સહિતના 13 બુટલેગરો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનામાં છબીલનાથ રાજપુત , રવિ ઉર્ફે ચામડો, નિલેશ ઉર્ફે નીલુ નાથાણી, ઓમપ્રકાશ બિશ્નોઇ, જગદીશ બિશ્નોઇ, અનિલ બિશ્નોઇ, અને સુરેશ બિશ્નોઇ ઝડપાઈ ચૂક્યા છે. જ્યારે ઘેવરચંદ બિશ્નોઇ, નારાયણ બિશ્નોઇ, શ્રવણકુમાર બિશ્નોઇ, રવિ કૂકડેજા અને ધવલ બિશ્નોઇ ફરાર છે. હાલ જ્યુ. કસ્ટડી હેઠળ જેલમાં રહેલ છબીલનાથ અને રવિ ઉર્ફે જીગો ચામડોએ સ્પેશિયલ જજ ગુજસીટોક વડોદરા વિકુલ કે. પાઠકની કોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન અરજી ગુજારતા સરકારી વકીલ રઘુવીર પંડ્યાની દલીલો થઈ હતી કે, આ ગુનામાં હજુ 5 આરોપી ફરાર છે, તપાસ ચાલુ હોવાથી જામીન અરજી ના મંજૂર કરવી જોઈએ. કોર્ટે નોધ્યું હતું કે, અરજદારોએ અગાઉ જામીન શરતનો ભંગ કર્યો હતો, આરોપીને જામીન મુક્ત વખતે સામાજિક હિતને પણ ધ્યાનમાં લેવું જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, વડોદરા ,મોરબી અને રાજકોટમાં બિશ્નોઇ ગેંગનું નેટવર્ક હોય આ વિસ્તારમાં બુટલેગરોને તેઓ દારૂ સપ્લાય કરતા હતા.

સંગઠિત ગુનાને નિયંત્રિત કરવા જ ગુજસીટોકનો કાયદો હોવાની દલીલો

ગુજસીટોક પ્રોહિબિશન એક્ટને લાગુ પડતો નથી તેવી બચાવ પક્ષની દલીલ સામે
સરકારી વકીલની દલીલ હતી કે, વિદ્યમાન કાયદાકીય માળખું આવી પ્રવૃતિને નિયંત્રણમાં રાખવા માટે પ્રમાણમાં અપૂરતા જણાતા કેટલાક સંજોગોમાં સંગઠિત ગુના ને નિયંત્રિત કરવા આ કાયદો છે, કોઈપણ ગેરકાયદેસરની પ્રવૃત્તિને ગુજસીટોક લાગુ પડે છે, આરોપીઓ સામે પાસા ,આઈપીસી સહિતના તમામ મોરચે કાર્યવાહી છતાં તેઓએ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ યથાવત રાખી હતી.