Get The App

વડોદરા: કેમસ્ટર ઓર્ગેનિક કંપનીના સંચાલક દંપતી અને મેનેજરની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

Updated: Nov 17th, 2021


Google NewsGoogle News
વડોદરા: કેમસ્ટર ઓર્ગેનિક કંપનીના સંચાલક દંપતી અને મેનેજરની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી 1 - image


વડોદરા, તા. 17 નવેમ્બર 2021 બુધવાર

બે મહિના અગાઉ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એકલબારાની કેમસ્ટર ઓર્ગેનિક કંપનીના વેસ્ટ કેમિકલનો જથ્થો ગત તા.14મી ઓકટોબરે જિલ્લા એલસીબીએ પકડ્યો હતો. એલસીબીએ એલ્યુમિનિયમ ક્લોરાઇડનો જથ્થો, ટેન્કર અને બે ફોન મળી કુલ રૂ.10.23 લાખનો મુદ્દામાલ કબ્બે કર્યો હતો.

આ પ્રકરણમાં કેમસ્ટર ઓર્ગેનિક કંપની ડિરેક્ટર સહિત પાંચ સામે ગુનો નોંધાયો હતો. દરમિયાન કંપની સંચાલક દંપતી અને મેનેજરે અત્રેની સેસન્સ અદાલતમાં પોતાના આગોતરા જામીન માંગતી અરજ રજૂ કરતા બંને પક્ષોની દલીલો બાદ અદાલતે આગોતરા જામીન અરજ નામંજુર કરવાનો હુકમ કર્યો હતો.

આશુતોષ રણજીત મજમુદાર , અમી આશુતોષ મજમુદાર ( બંને રહે - પીએનબી હાઉસ, ફિરોજશાહ મહેતા રોડ , ફોર્ટ , મુંબઈ ) આ બન્ને આરોપીઓ કેમસ્ટાર ઓર્ગેનિક કંપનીના ડાયરેક્ટર અને વહીવટકર્તા છે. આ ઉપરાંત મયુરભાઈ ઈન્દુલાલ મજમુદાર ( રહે - લાભ રેસીડેન્સી,  અટલાદરા રેલવે ક્રોસિંગ પાસે,  વડોદરા)  કંપનીમાં એકાઉન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે.  

ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કંપની માંથી ટેન્કરમાં ગેરકાયદેસર રીતે વેસ્ટ એલ્યુમિનિયમ ક્લોરાઇડ નાશ કરવા માટે ભરી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની પરવાનગી વગર ખોટું બિલ બનાવી સુરતના અમરોલી વિસ્તારમાં ઢોળવા માટે ટેન્કરના ડ્રાઈવરને તથા ક્લીનર ને મોકલી આપી કેમિકલ પદાર્થ અંગે નિષ્કાળજી દાખવી મનુષ્યની જિંદગી જોખમાઈ તેવું કૃત્ય કરી પર્યાવરણના નિયમોનો ભંગ કર્યો હોવાનો આરોપ છે. જે અંગે પાદરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. 

ગતરોજ ઉપરોક્ત બંને આગોતરા જામીન અરજીની સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવા ધરાવતા અદાલતે નોધ્યું હતું કે, કંપની માંથી નીકળતું કેમિકલ મનુષ્યની જીંદગી માટે તથા પર્યાવરણ માટે જોખમી હોવા છતાં તેના નિકાલની યોગ્ય પ્રક્રિયા ન અનુસરી ડાયરેક્ટર અને વહીવટકર્તાએ ગેરકાયદેસર રીતે નિકાલ કર્યો છે. તેવું પ્રથમ દર્શનીય રીતે રેકોર્ડ પર આવ્યું છે. જેથી પ્રથમ દર્શનીય રીતે આરોપીઓની ગુનામાં સંડોવણી હોવાનું માની શકાય છે. જ્યારે કંપનીના એક જવાબદાર કર્મચારી તરીકે એકાઉન્ટ મેનેજરની ગુનામાં પ્રથમ દર્શનીય સંડોવણી હોવાનું ફલિત થાય છે.

હાલમાં ગુનાની તપાસ ચાલુ છે ચાર્જશીટ પણ બાકી છે. જો આરોપીને આગોતરા જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો તપાસ પર તેની વિપરીત અસર થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ,આ પ્રકરણમાં પાદરા પોલીસ સ્ટેશનમાં કેમસ્ટર કંપનીના ડિરેક્ટર, અધિકારી, કેમિકલ ભરાવી આપનાર વિપુલ પઢીયાર, ટેન્કર માલિક જયેશ ગેલાભાઇ જોગરાણા, ડ્રાઇવર સંજય વેગડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.


Google NewsGoogle News