મહેનતાણું ચૂકવવા મામલે હત્યાના પ્રયાસના કેસમાં આરોપીની આગોતરા અરજી કોર્ટે ફગાવી
સાક્ષીઓના નિવેદનથી ફરિયાદને સમર્થન મળતું હોવાનું કોર્ટે નોંધ્યું
બે મહિના અગાઉ મહેનતાણું ચૂકવવા બાબતે થયેલી તકરારમાં ફરિયાદીના ભાઈને ચાકુના ઘા મારી હત્યાના પ્રયાસ અંગેના કેસમાં વોન્ટેડ આરોપીની આગોતરા જામીન અરજી ન્યાયાધીશએ ના મંજૂર કરી છે.
અરજદાર /આરોપી પંકજકુમાર શૈલેન્દ્રસિંહ (રહે - જય અંબેનગર, કલાલી રોડ, અટલાદરા)ની આગોતરા જામીન અરજીની સુનાવણી ચોથા એડિ. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ મોબીન અબ્દુલરસીદ ટેલરની કોર્ટમાં હાથ ધરાતા સરકાર તરફે ડીજીપીની દલીલો હતી કે, હાલનો આરોપી મુખ્ય આરોપી છે, કોર્ટે અગાઉ આરોપી ચંદનસિંહના આગોતરા જામીન રદ કર્યા છે, અરજદાર સામે અગાઉ કોઈ ગુના નથી પરંતુ, હાલનો ગુનો ગંભીર પ્રકારનો છે, આરોપીને જામીન મળે તો કેસને નુકસાન પહોંચવાની શક્યતા છે. બંને પક્ષોની દલીલો બાદ ન્યાયાધીશએ નોંધ્યું હતું કે, હાલના આરોપી મુખ્ય આરોપી હોવાનું પ્રથમ દર્શનીય જણાય આવે છે, ઇજાગ્રસ્ત સાક્ષી રાજુભાઈ તથા પુનિતાબેનના નિવેદનોથી પણ ફરિયાદને સમર્થન મળે છે. તપાસ અધિકારીનું સોગંદનામુ ધ્યાને લેતા તથા આરોપી વિરુદ્ધ આજીવન કેદની સજાને પાત્ર , સેશન્સ ટ્રાયેબલ ગુનો હોય, તેમજ આરોપી સામેની તપાસ અધુરી હોય હાલના તબક્કે આગોતરા જામીન આપી શકાય નહીં.