Get The App

જૂનાગઢ જિલ્લા પંચાયતની મિલ્કતો જપ્ત કરવા કોર્ટનો હુકમ

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
જૂનાગઢ જિલ્લા પંચાયતની મિલ્કતો જપ્ત કરવા કોર્ટનો હુકમ 1 - image

કોર્ટનો આદેશ છતાં કર્મીઓને એરિયર્સ ન ચૂકવ્યું : આજે ચેક જમા નહીં કરાવવામાં આવે તો ફરીથી DDO હસ્તકની મિલ્કતો અને સરકારી સામાન જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરશે

જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લા પંચાયતના નિવૃત્ત કર્મચારીઓના એરિયર્સ ચૂકવણીના લાંબા સમયથી ચાલતા વિવાદે હવે નવો વળાંક લીધો છે. વર્ષોની કાનૂની લડત બાદ કોર્ટે કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપી એરિયસ ચૂકવવાનો હુકમ કર્યો હોવા છતાં પંચાયત તંત્ર દ્વારા રકમ ન ચૂકવાતા આખરે કોર્ટે જિલ્લા વિકાસ અધિકારી હસ્તકની મિલ્કતો જપ્ત કરવાનું વોરંટ જારી કર્યું છે.

જપ્તી વોરંટના આધારે આજે નિવૃત્ત કર્મચારીઓ અને કોર્ટનો સ્ટાફ જપ્તીની કાર્યવાહી કરવા માટે જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા. કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે, તેઓ કોર્ટમાં કેસ જીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા જાણીજોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે. નિવૃત્ત કર્મચારી મારૂ રાજભાઈ લીલાભાઈ અને તેમના સાથીદારોના જણાવ્યા અનુસાર, તેમની જૂની સવસના પ્રકરણમાં એરિયર્સની રકમ મેળવવા માટે તેઓ લાંબા સમયથી કાનૂની લડત લડી રહ્યા હતા. કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપી પંચાયતને બાકી રકમ ચૂકવવા આદેશ કર્યો હતો. વારંવારની રજૂઆતો છતાં રકમ ન મળતા અંતે કોર્ટે જપ્તી વોરંટ આપ્યું હતું.

આજે જ્યારે કર્મચારીઓ જપ્તી માટે પહોંચ્યા ત્યારે તંત્ર અને કર્મચારીઓ વચ્ચે લાંબી ચર્ચાઓ અને વાટાઘાટો થઈ હતી. પંચાયત તરફથી 10 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો પરંતુ કર્મચારીઓએ મક્કમ રહીને માત્ર એક દિવસનો સમય આપ્યો છે. કર્મચારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો આવતીકાલ સુધીમાં તેમના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ નહીં આવે અને ચેક જમા નહીં કરાવવામાં આવે, તો તેઓ તા.૨ના રોજ ફરીથી કચેરીએ પહોંચીને ડીડીઓ હસ્તકની મિલ્કતો અને સરકારી સામાન જપ્ત કરવાની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરશે. આ ઘટનાને પગલે જિલ્લા પંચાયત વર્તુળોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર નિવૃત્ત કર્મચારીઓને તેમનો હક આપે છે કે પછી મિલ્કતો જપ્ત થવાની નોબત આવે છે.