ભાવનગરમાં ફૂડ વિભાગના 3 જુદા જુદા કેસમાં કોર્ટે આસામીઓને રૂા. 2.05 લાખનો દંડ ફટકાર્યો

- પતજંલિનો ઓરેન્જ સોનપાપડીનો નમૂનો મીસબ્રાન્ડ થતા રૂા. 1.70 લાખનો દંડ કર્યો
- બોરતળાવ રોડના ચામુંડા કોલ્ડ્રિંકસ એન્ડ પાર્લરનો ઘીનો નમૂનો ફેઈલ થયો હતો : એડજ્યુડીકેટીંગ કોર્ટે દંડ વસુલવા હુકમ કર્યો
મહાપાલિકાના ફૂડ વિભાગના ત્રણ જુદા જુદા કેસમાં કોર્ટે આસામીઓને દંડ ફટકાર્યા હતા, જેમાં પતંજલિ નવરત્ન નાગપુરનો ઓરેન્જ સોનપાપડીનો નમૂનો લેબલ મીસ્ટેકના કારણે ફૂડ વિભાગની ટીમે ગત વર્ષ ર૦૧૭ માં લીધો હતો. આ નમૂનો લેબોરેટરીની તપાસમાં મીસબ્રાન્ડ જાહેર થયો હતો, જેના પગલે ૧૪ આસામી એડજ્યુડીકેટીંગ કોર્ટમાં ગયા હતાં. આ કેસ તાજેતરમાં કોર્ટમાં ચાલી જતા અધિકારીએ આસામીઓને રૂા. ૧.૭૦ લાખનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત શહેરના આનંદનગરના માહિગૃહ ઉદ્યોગમાંથી લીધેલો સીંગતેલનો નમૂનો સબસ્ટાન્ડર્ડ થયો હતો તેથી આસામી એડજ્યુડીકેટીંગ કોર્ટમાં ગયા હતાં. આ કેસ તાજેતરમાં કોર્ટમાં ચાલી જતા અધિકારીએ આસામીઓને રૂા. રપ હજારનો દંડ ભરવા હુકમ કર્યો હતો.
બોરતળાવ રોડ પર આવેલ ચામુંડા કોલ્ડ્રિંકસ એન્ડ પાર્લરમાંથી ઘીનો નમૂનો લીધો હતો જે તપાસમાં ફેઈલ થયો હતો, જેના પગલે આસામી એડજ્યુડીકેટીંગ કોર્ટમાં ગયા હતાં. આ કેસ તાજેતરમાં કોર્ટમાં ચાલી જતા અધિકારીએ આસામીઓને રૂા. ૧૦ હજારનો દંડ કર્યો છે તેમ મહાપાલિકાના ફૂડ વિભાગના સુત્રોએ જણાવેલ છે. આ ત્રણેય કેસના આસામીઓ પાસેથી દંડ વસુલવા માટે મહાપાલિકાના ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે હજુ કડક પગલા લેવા જરૂરી
ભાવનગર સહિત રાજ્યભરમાં ખાદ્યપદાર્થમાં ભેળસેળના કિસ્સા જોવા મળતા હોય છે, જેના કારણે લોકોનું આરોગ્ય બગડતુ હોય છે ત્યારે ફૂડ વિભાગે લોકના હિતમાં કડક પગલા લેવા જરૂરી છે. ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરનારાઓ બીજીવાર આવુ ન કરે તે માટે તેઓને મોટો દંડ કરવો જોઈએ, દુકાનને સીલ મારવા જોઈએ વગેરે કાર્યવાહી કરવી જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.








