ચૂંઇ ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા માટે અદાલતે વધુ ૪૧ દિવસનો સમય આપ્યો

વડોદરા : ખૂન, ખૂનની કોશિશ, રાયોટિંગ, મારામારી, ધમકી અને દારૃની પ્રવૃત્તિઓ આચરી આતંકનો માહોલ ઉભો કરનારી ચૂંઇ ગેંગના સાત સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસે છ આરોપીઓની ધરપરડ કરી છે જ્યારે એક આરોપી હજી ફરાર છે. આ ગુનામાં પોલીસે તા. ૨૦ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ચાર્જશીટ દાખલ કરવાની હતી પરંતુ હજી ૬૦ સાક્ષીના નિવેદન નોંધવાના બાકી હોઇ વધુ ૯૦ દિવસનો સમય માંગવામાં આવતા ન્યાયાધીશે ચાર્જશીટ દાખલ કરવા માટે વધુ ૪૧ દિવસનો સમય આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે,કુણાલ કહારે પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે
એક યુવક પર જીપ ચઢાવી દઇ તેને કચડી નાંખવાની કોશિશ કરી હતી. ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા
કુણાલનો ભાઇ સૂરજ કહાર પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. તેણે પોલીસ સ્ટેશનમાં જ
પોલીસની હાજરીમાં ફરિયાદ કરવા આવેલા યુવકને મોંઢા પર ફેંટ મારી દઇ જાનથી મારી
નાખવાની ધમકી આપી હતી.
ચૂંઇ ગેંગના સાગરીતોમાં પોલીસનો પણ ખૌફ ન હોઇ પોલીસે આ ગેંગ સામે
તપાસ શરુ કરતા તપાસમાં ગેંગ દ્વારા દસ વર્ષમાં ૧૨૮ ગુનાઓ આચર્યા હોઇ પોલીસે
ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી સૂરજ ઉર્ફે ચૂઇ રમણલાલ કહાર,દિપક
દશરથભાઇ કહાર,પાર્થ ઉર્ફે સોનુ રાજુભાઇ બ્રહ્મભટ્ટ,પ્રદીપ ઠાકોરભાઇ ઠક્કર,અને રવિ સુભાષભાઇ માછી સહિતના
છ આરોપીની ધરપકડ કરી હતી જ્યારે હજી એક આરોપી આ ગુનામાં ફરાર છે.
પોલીસે તા.૨૩ જુલાઇ ૨૦૨૫ના રોજ ગુનો દાખલ કર્યો હોઇ તા.૨૦
ઓક્ટોબર ૨૦૨૫ સુધીમાં પોલીસે ગુનામાં ચાર્જશીટ દાખલ કરવાની હતી પરંતુ આ ગુનામાં
હજી ૬૦ સાક્ષીના નિવેદન લેવાના બાકી છે, જેમાં નિવૃત્ત અને અન્ય જિલ્લામાં બદલી થયેલા
પોલીસ કર્મચારીઓ અને જવાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આરોપીઓની મિલકત બાબતે તેમજ
તેના બેંક એકાઉન્ટના ટ્રાન્ઝેકશનની તપાસ હાલ ચાલી રહી હોઇ સ્પે. સરકારી વકીલ
રઘુવીર પંડયાએ ચાર્જશીટ દાખલ કરવા માટે વધુ ૯૦ દિવસ વધારી આપવાની રજૂઆત કરતા
ન્યાયાધીશે તા.૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં ચાર્જશીટ દાખલ કરવા માટેની મંજૂરી આપી હતી.









