હરણી તળાવ બોટ દુર્ઘટનાના આરોપી પરેશ શાહને કોર્ટે દસ હજારનો દંડ ફટકાર્યો
જામીનની શરતોનો ભંગ કરી રાજસ્થાનનો પ્રવાસ કર્યો હતો
વડોદરા : હરણી તળાવ બોટ દુર્ઘટનાના આરોપી પરેશ શાહે કોર્ટની પરવાનગી લીધા વગર જ રાજસ્થાન પ્રવાસ કરીને હાઇકોર્ટની શરતનો ભંગ કરતા તેના જામીન રદ કરી કસ્ટડીમાં લેવા માટેની અરજી ડીસીપી(ક્રાઇમ) દ્વારા કરવામાં આવી હતી. આ અરજીમાં બન્ને પક્ષે દલીલો પુરી તયા બાદ ન્યાયાધીશે આરોપી પરેશ શાહે નિયમનો ભંગ કર્યો હોઇ તેને રૃા.૧૦ હજારનો દંડ ફટકારી નવેસરથી રૃા.૫૦,૦૦૦ના જામીન તેમજ બોન્ડ રજૂ કરવાનો પણ આદેશ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ૧૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ વડોદરાના હરણી તળાવ
ખાતે એક બોટ પલટી જતાં ૧૨ નિર્દોષ બાળકો અને ૨ શિક્ષકોના જીવ ગયા હતા. પોલીસે આ
કેસમાં સંડોવાયેલા આરોપી પરેશ શાહની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પરેશ શાહે સૌથી પહેલા વડોદરાની સેશન્સ કોર્ટમાં
જામીન અરજી મુકી હતી જે અરજી તા.૧૭ મે ૨૦૨૪ના રોજ રદ થઇ હતી.
આરોપીએ હાઇકોર્ટમાં જામીન અરજી મુકતા હાઇકોર્ટે તા.૩૦ સપ્ટેમ્બર
૨૦૨૪ના રોજ આરોપી પરેશ શાહની જામીન અરજી મંજૂર કરી હતી અને તેમાં જે વિવિધ શરતો
જણાવવામાં આવી હતી તેમાં એક શરત એવી હતી કે, આરોપીએ ટ્રાયલ કોર્ટની મંજૂરી વગર ગુજરાત
રાજ્યની હદ છોડવી નહી. દરમિયાનમાં તાજેતરમાં આરોપી પરેશ શાહે કોર્ટની મંજૂરી વગર
ગુજરાતની હદ છોડી રાજસ્થાનનો પ્રવાસ કર્યો હોવાની વિગતો સપાટી પર આવી હતી.
તપાસમાં પરેશ શાહ નાથદ્વારા ખાતે ખડાયતા ભવનમાં રોકાયા હોવાની
વિગતો સ્પષ્ટ થતા ક્રાઇમ બ્રાન્ચે પરેશ શાહે નિયમનો ભંગ કર્યો હોઇ તેને તુરંત
કસ્ટડીમાં લેવા અને જામીન રદ કરવા માટે અરજી કરતા અદાલતે પરેશ શાહે કોર્ટની શરતનો
ભંગ કર્યો હોઇ રૃા.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.