આડાસંબંધની આશંકાએ પત્નીની હત્યા કેસમાં પતિના રેગ્યુલર જામીન અદાલતે ના મંજૂર કર્યા
પીએમ રિપોર્ટમાં ફ્રેક્ચરની ઈજા અને મૃત્યુનું કારણ પ્રોસીક્યુશનની થિયરીને મળે છે : કોર્ટ
કુદરતી મોતમાં ખપાવવા પતિ રીક્ષા લઇ ધંધો કરવા જતો રહ્યો
તાંદલજામાં આડાસંબંધની આશંકાએ પત્નીની દુપટ્ટા વડે ગળેફાંસો આપી હત્યા કરી કુદરતી મોતમાં ખપાવવાના પ્રયાસના ગુનામાં હાલ જ્યુ. કસ્ટડી હેઠળ જેલમાં રહેલ આરોપી જાવેદ વાહિદભાઈ મન્સૂરી (રહે - એકતાનગર , કિસ્મત ચોકડી,તાંદલજા)ના રેગ્યુલર જામીન અદાલતે ના મંજૂર કર્યા હતા.
છઠ્ઠા એડિશનલ સેશન્સ ન્યાયાધીશ પ્રશાંત નરેન્દ્રકુમાર રાવલની કોર્ટમાં આ અરજની સુનાવણી હાથ ધરાતા જામીન અરજીનો વાંધો ઉઠાવી તપાસ અમલદારના સોગંદનામાને અનુલક્ષી સરકાર તરફે એ પી પી જે.એમ. કંસારાની દલીલો હતી કે, આરોપીએ તકિયાથી પત્નીનું ગળું દબાવી દીધેલ જેમાં મૃતકનું પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે, ગુનાને અંજામ આપી પોતે રીક્ષા ચલાવવા જતો રહ્યો હતો, પીએમ રિપોર્ટથી તથા રિ કન્સ્ટ્રક્શન પંચનામામાં આરોપીનો રોલ ખૂલેલ છે, ગંભીર પ્રકારના ગુનાની જામીન અરજી હોય ના મંજૂર કરવી જોઈએ. ન્યાયાધીશે નોધ્યું હતું કે ,પીએમ રિપોર્ટમાં દર્શાવેલ થાઈરોડ કાર્ટિલેજની બંને બાજુ ફ્રેક્ચરની ઈજા અને મૃત્યુનું કારણ પ્રોસીક્યુશનની થિયરીને મળી આવે છે, સામાન્ય સંજોગોમાં કોઈ વ્યક્તિ જાતે આત્મહત્યા કરે તો આ રીતે તેનું મૃત્યુ થઈ શકે તે હકીકત જે તે ઈજાનો પ્રકાર જોતા માની શકાય તેમ નથી, અરજદાર આરોપીને રેગ્યુલર જામીન આપવા યોગ્ય કેસ જણાતો નથી.