પોક્સોના કેસમાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 3 વર્ષ કેદની સજા ફટકારી
નોટબુક લેવા જતી સગીર વિદ્યાર્થીનીની છેડતી મામલે
આરોપીએ સગીરાની આબરૂ લેવાના ઇરાદે બાઈક ઉપર બેસાડવા ખેંચતાણ કરી હોવાની હકીકત પુરવાર થઈ
નોટબુક લેવા જતી સગીર વિદ્યાર્થીનીની છેડતી મામલે તાલુકા પોલીસ મથકે નોંધાયેલા પોક્સોના કેસમાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 3 વર્ષ કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.
વર્ષ 2022 દરમ્યાન આરોપી 25 વર્ષીય ચિરાગ સુરેશભાઈ પઢિયાર (રહે- ભાથુજીવાળું ફળિયું, લક્ષ્મીપુરા, વડોદરા)એ એકલતાનો લાભ લઈ નવીનગરીમાં નોટબુક લેવા માટે જતી 12 વર્ષીય સગીરાને કહ્યું હતું કે, "બાઈક ઉપર બેસી જા આપણે ફરવા જઈએ". સગીરાએ ઇનકાર કરતા આરોપીએ સગીરાનો હાથ પકડી બાઈક ઉપર બેસાડવા ખેંચતાણ કરી છેડતી અંગેનો ગુનો વડોદરા તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયો હતો. જે કેસની સુનાવણી ત્રીજા અધિક સેશન્સ જજ ચિરાગ એમ. પવારની કોર્ટમાં હાથ ધરાતા ફરિયાદ પક્ષ તરફે ધારાશાસ્ત્રી એપીપી એન. યુ. મકવાણાની દલીલો થઈ હતી કે, ભોગ બનનાર તેમજ તેમના માતા, મામાની જુબાનીથી બનાવની હકીકત સાબિત થાય છે, આરોપીએ સગીરાની આબરૂ લેવાના ઇરાદે હાથ પકડેલ હોય ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ મહત્તમ સજા કરવી જોઈએ. બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ ન્યાયાધીશએ નોંધ્યું હતું કે, આરોપી સામે ગુનો પુરવાર થયા બાદ ગુનાને સુસંગત યોગ્ય સજા કરવાની કોર્ટની ફરજ છે, આ સિદ્ધાંતને ધ્યાને લઈ કેસનું રેકર્ડ ધ્યાને લેતા આ કેસમાં આરોપીએ સગીરાની આબરૂ લેવાના ઇરાદે હાથ પકડેલ હોવાની હકીકત સાબિત થાય છે. કોર્ટે દંડની રકમ રૂ. 10 હજાર તથા માનસિક યાતનામાંથી પસાર થવાનો વખત આવ્યો હોય ગુજરાત વિકટીમ કોમ્પેનસેશન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂ. 50 હજાર પીડિતાને વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો હતો.