પતિ પાસેથી છુટાછેડા માંગતી પત્નીની અરજી પર કોર્ટની મંજુરી મહોર
સાત વર્ષથી વધુ સમય ત્યાગના ગ્રાઉન્ડ પર
પત્નીએ એકથી વધુવાર પતિના ઘરે જવાની પ્રયાસો કરવા છતાં પતિએ પૈસાની માંગણી પડતી મુકી નહોતીઃ બે વર્ષથી વધુ સમયથી વાજબી કારણ વગર દંપતિ અલગ રહેતા હતા
સુરત,તા.25 જુલાઈ 2020 શનિવાર
વરાછા રોડ ખાતે છેલ્લાં સાતેક વર્ષથી વધુ સમય પિયરમાં ઓશિયાળું જીવન જીવતી પરણીતાએ પતિના ઘરે જવા તૈયારી છતાં પતિએ કરેલા સ્વૈચ્છિક ત્યાગના ગ્રાઉન્ડ પર છુટાછેડા મેળવવાની માંગ પર ફેમીલી કોર્ટના જજ બિનાબેન ચૌહાણે મંજુરીની મહોર મારતો હુકમ કર્યો છે.
વરાછા રોડ વિસ્તારમાં રહેતા સુસ્મિતાબેનના લગ્ન જાન્યુ-2007માં અશ્વિનીકુમાર રોડ ખાતે રહેતા ભદ્રેશભાઈ ડોબરીયા સાથે થયા હતા.પરંતુ લગ્નજીવનના ટુંકા ગાળામાં એક પુત્રનો જન્મ થયા બાદ પતિ સાસરીયા દ્વારા દહેજના મુદ્દે ત્રાસ આપતા હતા.પતિએ મિલકત ખરીદવા માટે પિયરમાંથી 16 લાખ લાવવાની માંગ કરી હતી.પરંતુ પત્નીએ પિયરીયા માત્ર 5 લાખ આપી શકવાની ક્ષમતા ધરાવતા હોવાનું જણાવતા પતિ-સાસરીયાઓ દ્વારા ત્રાસ આપી ઘરેલુ હિંસા આચરતા હતા.જો કે પતિના અગાઉ થયેલા લગ્નની હકીકત છુપાવીને સુસ્મિતાબેન સાથે બીજા લગ્ન કર્યા હોવાનું જાણ થવા છતાં ઘર સંસાર બચાવવા પત્નીએ મુંગા મોઢે પતિ સાસરીયાનો ત્રાસ સહન કરતાં હતા.
પરંતુ જાન્યુ-2012 ભીમઅગિયારસના તહેવાર કરવા પત્નીને પુત્ર સાથે પિયર મુકીને આવેલા પતિએ ચાર દિવસ બાદ પત્નીને તેડી જવાને બદલે પુત્રને લઈને ચાલ્યા ગયા હતા.બીજી તરફ પત્ની સુસ્મિતાબેને એકથી વધુવાર પોતાના પતિના ઘરે જવા માટેના પ્રયાસો કરવા છતાં પતિ ભદ્રેશભાઈએ તેડી જવાની તૈયારી દર્શાવી નહોતી.જેથી સમાજના આગેવાનો સાથેની મીટીંગમાં પણ પતિએ પૈસાની માંગણી કરીને પત્નીએ કરેલા કેસો પરત ખેંચીને શરતોને આધીન લખાણ કરી આપે તેવી માંગ કરી હતી.જેથી પત્ની તરફે પૈસા સિવાયની તમામ માંગણીને સ્વીકારીને લગ્નજીવન બચાવવા માટેનો પ્રયાસો કર્યા હતા.પરંતુ પતિએ પૈસાની માંગણી ન સ્વીકારાતા સમાધાન માટેની મીટીંગ નિષ્ફળ રહી હતી.
જેથી છેલ્લાં સાત વર્ષથી વધુ સમયથી પતિએ કરેલા સ્વૈચ્છિક ત્યાગના કારણોસર સુસ્મિતાબેને કુ.ટીના શર્મા મારફતે પતિથી છુટાછેડા મેળવવા માટે ફેમીલી કોર્ટમાં ધા નાખી હતી.જેની સુનાવણી બાદ કોર્ટે ફરિયાદપક્ષની રજૂઆતો તથા પુરાવાને લક્ષમાં લઈ પત્નીને છૂટાછેડાની માંગ પર કાયદાની મંજુરીની મહોર મારતો હુકમ કર્યો હતો.કોર્ટે જણાવ્યું હતું કે પત્ની તરફે પુરવાર થયું છે કે પતિએ બે વર્ષથી વધુ સમયથી એટલે કે વર્ષ-2012 થી પત્નીનો ત્યાગ કર્યો છે.