Gujarat

સુનિલ પાન ગેંગના સાત આરોપીની જેલ ટ્રાન્સફરને કોર્ટની મંજૂરી

By GS TEAM
26 Nov 20251 min read
સુનિલ પાન ગેંગના સાત આરોપીની જેલ ટ્રાન્સફરને કોર્ટની મંજૂરી

વડોદરા : લૂંટ,ચોરી અને વાહનચોરી જેવા સંખ્યાબંધ ગુનાઓ આચરતી સુનિલ પાન ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી પોલીસે ગેંગ લીડર સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં એક સાથે રખાયેલા સાત આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલમાં ખસેડવાનો અદાલતે આદેશ કર્યો હતો.

પોલીસે ગેંગના મુખ્ય સુત્રધાર  સુનિલ પાન સહિતના નવ આરોપીઓ સામે સમા પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી હતી. હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં રખાયેલા સાત આરોપીઓની જેલ ટ્રાન્સફર માટે સરકાર તરફે અરજી કરવામાં આવી હતી. સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે, આરોપીઓએ ગંભીર પ્રકારના ૭૮ ગુનાઓને અંજામ આપ્યો છે.

જો તમામ આરોપીઓને જેલમાં સાથે રાખવામાં આવશે તો તેઓ નવી યોજનાઓ બનાવીને પરોક્ષે રીતે નવા ગુનાઓને અંજામ આપશે એટલે તેમને અલગ અલગ જેલમાં ખસેડવામાં આવે. ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ અરજી મંજૂર કરી આરોપી સુનીલસિંગ પાનસિંગ બાવરી, બીલસિંગ ટાંક, પ્રેમસિંગ બાવરી (સિકલીગર),રવિસિંગ સરદાર, કિરપાલસિંગ તલપીતીયા,કુલદિપસિંગ બાવરી અને અમરસિંગ બાવરીને અલગ અલગ જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હત કે, આરોપીઓને સાથે રાખવાથી સુરક્ષાનો પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે અને અન્ય ગુનાને અંજામ આપશે તે સંભાવના પણ નકારી શકાય નહી.