લાંચ કેસમાં કર્મચારીના અવાજના નમૂના લેવા કોર્ટે મંજૂરી આપી
સબ રજીસ્ટ્રાર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો હતો

વડોદરા : લાંચ કેસમાં ઝડપાયેલા કર્મચારીએ અવાજના નમૂના આપવાની ના કહેતા એસીબીએ આરોપીના આવાજના નમૂના લેવા માટેની મંજૂરી માંગતી અરજી કોર્ટમાં કરી હતી. અદાલતે એસીબીની અરજી મંજૂર કરી ચૂકાદામાં નોંધ્યું હતું કે, લાંચ જેવા ગંભીર ગુનામાં સત્યને બહાર લાવવા માટે અવાજના નમૂના લેવાએ બંધારણીય કાયદાનો ભંગ ગણાતો નથી.
કેસની વિગત એવી છે કે,આરોપી ચંદ્રેશભાઈ સોલંકી,વાઘોડિયાની
સબ-રજિસ્ટ્રાર કચેરીનો કર્મચારી છે અને તેણે વર્ષ ૨૦૨૩માં ફરિયાદી પાસેથી
દસ્તાવેજની ઇન્ડેક્સ કાઢી આપવાના બદલામાં ૧૫૦૦ની લાંચની માંગણી કરી હતી. આ અંગેની
ફરિયાદ એસીબીમાં આપવામાં આવતા લાંચનું છટકુ ગોઠવીને આરોપીને ઝડપી લેવામાં આવ્યો
હતો અને તે સમયે ઓડિયો રેકોર્ડિંગ કરવામાં
આવ્યું હતું. આમ, રેકોર્ડિંગમાં
આરોપીનો જ અવાજ છે તેવો એફએસએલનો પુરાવો મેળવવા માટે આરોપીના અવાજના નમૂના લેવા
જરુરી હોઇ આરોપીને અવાજના નમૂના આપવા માટેની નોટીસ આપવામાં આવી હતી.
જો કે, આરોપીએ અવાજના નમૂના આપવાની ના કહેતા એસીબીએ
આરોપીના અવાજના નમૂના લઇ શકાય તે માટે કોર્ટમાં દાદ માંગી હતી.સુનાવણી દરમિયાન
સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, લાંચનો ગુનો સાબિત
કરવા માટે અવાજના નમૂનાઓનું રેકોડગ અનિવાર્ય છે, પરંતુ
આરોપીએ નમૂના આપવાની સંમતિ આપી નથી. કોર્ટે
અરજી મંજૂર કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું હતું કે, ે લાંચની માંગણી અને સ્વીકાર બંને થયેલા હોવાનું
તપાસની વિગતો જોતા જણાય છે.

