ખાલી કરાવશો તો સુસાઈડ કરી લઈશ કહી દંપતીનો મકાન પર કબજો
- આણંદના સરદાર બાગ પાસે જીવનદીપ કોલોનીની ઘટના
- રૂા. 62.16 લાખમાં મકાન વેચ્યું, અમેરિકા જવાનું બહાનું કાઢી દંપતી રહ્યું બાદમાં ઘર ખાલી ન કર્યું
આણંદ ખાતે રહેતા નિશાબેન કેતનભાઇ પટેલે સરદાર બાગ નજીક આવેલી જીવનદીપ કોલોનીમાં તેજેન્દ્રભાઈ નગીનભાઈ પટેલ પાસેથી રૂપિયા ૬૨.૧૬ લાખમાં મકાન ખરીદ્યું હતું અને જૂન ૨૦૨૩માં વેચાણ દસ્તાવેજ કરાવ્યો હતો. મકાન માલિક તેજેન્દ્રભાઈએ થોડા દિવસ બાદ અમેરિકા જવાનું હોવાથી હાલ આ મકાનમાં જ રહું છું અને અમેરિકા જઈશુ ત્યારે મકાન ખાલી કરી આપીશું તેમ જણાવ્યું હતું અને તેજેન્દ્રભાઈ તથા તેમના પત્ની મકાનમાં રહેતા હતા. લગભગ બે મહિના બાદ દંપતીએ સર સામાન મકાનના એક રૂમમાં મૂકી ચાવી નિશાબેનને સોંપી હતી. ત્યારબાદ નિશાબેને વેચાણ દસ્તાવેજના બાકી રૂપિયા ચૂકવી આપ્યા હતા અને રૂમ ખાલી કરવા કહ્યું હતું.
તે સમયે તેજેન્દ્રભાઈએ રૂમ ખાલી કરી આપવાનો વાયદો કર્યો હતો જેથી નિશાબેન તથા તેમના પતિ આણંદ શહેરના લક્ષ્મી ચાર રસ્તા નજીક જીલ ટ્રાવેલ્સ નામની તેજેન્દ્રભાઈ પટેલની ઓફિસે ગયા હતા.
ત્યારે તેજેન્દ્રભાઈએ બે દિવસ બાદ રૂમ ખાલી કરી આપવાનું કહ્યું હતું. ત્યારબાદ નિશાબેન તથા તેમનો પરિવાર તા. ૪થી મે ૨૦૨૪ના રોજ મકાન ખાતે જતા મકાનમાં તેજેન્દ્રભાઈ પટેલ તેમના પત્ની સાથે સરસામાન મૂકીને રહેતા હોવાનું જણાતા તેઓએ તેમને મકાન ખાલી કરવાનું કહ્યું હતું. જેથી તેજેન્દ્રભાઈએ મકાન ખાલી કરવાનો નથી અને જો હવે પછી મકાન ખાલી કરાવવા આવશો તો હું સુસાઇડ કરી લઈશ તેવી ધમકી આપી હતી. જેથી નિશાબેન પટેલે આ અંગે આણંદ જિલ્લા કલેકટર કચેરીમાં ઓનલાઇન અરજી કરી હતી.
જેની તપાસ બાદ લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હોવાથી આ અંગે ફરિયાદ નોંધવાનો હુકમ કરતા આણંદ શહેર પોલીસે તેજેન્દ્રભાઈ નગીનભાઈ પટેલ અને તેમના પત્ની હિરલબેન વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.