મોપેડ સવાર દંપતીને ફંગોળી વાહન ફરાર : મહિલાનું મોત નિપજયું

ગાંધીનગર નજીક અડાલજ ઝુંડાલ માર્ગ ઉપર
ચાંદખેડાના દવાખાનેથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના : અડાલજ પોલીસની તપાસ
ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર વધતી જતી
અકસ્માતની ઘટનાઓ વચ્ચે ગઈકાલે અડાલજ ઝુંડાલ માર્ગ ઉપર સર્જાયેલા વધુ એક અકસ્માતમાં
મહિલાનું મોત થયું છે. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અડાલજ
ખાતે આવેલી દેવનંદન પરિસર-૨ ખાતે રહેતા જગદીશ લાલજીભાઈ દેસાઈએ ફરિયાદ નોંધાવી હતી
કે, ગઈકાલે
તે અને તેમની પત્ની અમથીબેન ચાંદખેડા ખાતે આવેલી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે ગયા
હતા અને જ્યાંથી તેઓ ઝુંડાલથી અડાલજ જતા રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા તે સમયે કોઈ
અજાણ્યા વાહન ચાલકે તેમના મોપેડને ટક્કર મારી હતી અને જે અકસ્માતમાં તે અને તેમની
પત્ની અમથીબેન નીચે પટકાયા હતા. આ અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો
પરંતુ આસપાસના લોકો દોડી આવતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંનેને સારવાર માટે ગાંધીનગર
સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમની પત્નીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી
હતી અને માથામાંથી લોહી પણ નીકળતું હતું. જેના પગલે સારવાર મળે તે પહેલા જ ફરજ
પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જેથી હાલ આ ઘટના અંગે અડાલજ
પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા વાહન ચાલકને પકડવા માટે દોડધામ શરૃ
કરવામાં આવી છે. જિલ્લાના હાઇવે માર્ગો ઉપર વધતી જતી હીટ એન્ડ રનની ઘટનાઓએ નાના વાહન ચાલકોને ચિંતામાં મૂકી દીધા છે.








