રાજકોટમાં દંપતીને 45 દિવસ ડિજિટલ એરેસ્ટમાં રાખી રૂ. 88 લાખ પડાવાયા
રાજકોટમાં ડિજિટલ એરેસ્ટનો ત્રીજો ચોંકાવનારો કિસ્સો : મની લોન્ડરિંગ અને ડ્રગ્સના કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી, ભાવનગરના 3 આરોપીઓની ધરપકડ : કાયદા-કાનૂનના જાણકાર નિવૃત્ત કોર્ટ ક્લાર્ક ભોગ બનતાં પોલીસને પણ આશ્ચર્ય
રાજકોટ, : રાજકોટના સાધુ વાસવાણી રોડ પરની સ્વાગત રેસિડેન્સીમાં રહેતા અને સેશન્સ કોર્ટમાંથી આસિસ્ટન્ટ ક્લાર્ક તરીકે નિવૃત થયેલા દિનેશભાઈ દેલવાડિયા (ઉ.વ. 69) અને તેમના પત્ની અનિતાબેનને 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખી રૂ. 88.50 લાખ પડાવાયાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી જે બેન્ક ખાતામાં ફ્રોડની રકમ જમા થઇ હતી, તેની સાથે સંકળાયેલા ભાવનગરના 3 આરોપીઓની ધરપકડ કરી છે. રાજકોટમાં ડિજિટલ એરેસ્ટનો આ ત્રીજો કિસ્સો છે. જો કે ભોગ બનનાર દિનેશભાઈ કોર્ટમાં ક્લાર્ક રહી ચૂક્યા હોવાથી કાયદા-કાનૂનથી સારી રીતે વાકેફ હોવા છતાં ભોગ બનતાં પોલીસને પણ આશ્ચર્ય થઇ રહ્યું છે. તે 2013ની સાલમાં નિવૃત થયા હતા. હાલ એક ટ્રસ્ટમાં સેવા આપે છે. ગઇ તા. 8 જુલાઇના રોજ પત્ની સાથે ઘરે હતા ત્યારે તેમના મોબાઇલ નંબર ઉપર અજાણ્યા મોબાઇલ નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો, જેમાં સામાવાળાએ કહ્યું કે, હું ટેલિફોન ડિપાર્ટમેન્ટમાંથી બોલુ છું, તમને 10 મિનિટ પછી દિલ્હી ક્રાઇમ બ્રાંચમાંથી સુનિલકુમાર ગૌતમનો ફોન આવશે, તમે તેની સાથે વાત કરી લેજો. આ પછી ફોન કટ થઇ ગયો હતો. 10 મિનિટ પછી અજાણ્યા વોટ્સએપ નંબર પરથી કોલ આવ્યો હતો. જેમાં સામાવાળાએ કહ્યું કે, હું દિલ્હી ક્રાઇમ બ્રાંચમાંથી બોલુ છું, આઈસીઆઈસીઆઈ બેન્કના મેનેજર સંદીપકુમાર વિરૂધ્ધ મની લોન્ડરિંગનો ગુનો દાખલ થયો છે, તેણે ફ્રોડ પણ કર્યું છે, જેમાંથી 10 ટકા હિસ્સો તમને આપ્યાનું સુપ્રીમ કોર્ટમાં નિવેદનમાં જણાવ્યું છે, સંદીપકુમારના ઘરમાં રેઇડ કરતાં 8 મિલિયન રોકડ રકમ, 180 જુદી-જુદી બેન્કની પાસ બૂક, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, ચેકબૂક અને મોટા પ્રમાણમાં ડ્રગ્સ કબજે થયું છે, જેના હિસ્સેદાર તમે પણ છો, આ કેસમાં તમને આખી જિંદગી જેલમાં રહેવું પડશે.
આ રીતે મની લોન્ડરિંગ અને ડ્રગ્સના કેસમાં ફીટ કરી દેવાની ધમકી બતાવી હતી. દિનેશભાઈ અને તેના પત્ની એકલા રહેતા હોવાથી બંને ડરી ગયા હતાં. થોડીવાર પછી દિનેશભાઇના પત્નીના મોબાઇલમાં વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં કોઇ આરોપીને પકડયા હોય તેવા પોલીસ સાથેના ફોટા બતાવ્યા હતાં. સાથોસાથ સામાવાળાએ એવી પણ ધમકી આપી હતી કે, આ વાત કોઇને કરશો તો ત્યાં આવીને તમને એરેસ્ટ કરશું.
ત્યાર પછી દિનેશભાઈને કહ્યું કે, તમારા બેન્ક એકાઉન્ટમાં 10 ટકા હિસ્સાની રકમ પડી છે કે નહીં તે જાણવા માટે તમને એક બેન્ક એકાઉન્ટ નંબર મોકલુ છું, જેમાં તમારે રૂ. 8 લાખ જમા કરાવવાના છે. જેથી તે બેન્ક એકાઉન્ટ નંબર ઉપર દિનેશભાઈએ RTGSથી રૂ. 8 લાખ જમા કરાવ્યા હતાં. બીજા દિવસે સામાવાળાએ ફરીથી વોટ્સએપ કોલ કરી કહ્યું કે, તમારે બેન્કમાં લોકર હોય તો તેના ગોલ્ડના આધારે બેન્કમાંથી ગોલ્ડ લોન લઇ પૈસા જમા કરાવો. આ વાત સાંભળી દિનેશભાઇએ અગાઉ આપેલા રૂ. 8 લાખ પરત આપવાનું કહેતા સામાવાળાએ કહ્યું કે પહેલા તમારી બધી રકમનું વેરિફિકેશન થઇ જશે ત્યારબાદ તમને એક સર્ટિફિકેટ આપવામાં આવશે, તે પછી જ તમારી બધી રકમ પરત આપવામાં આવશે.
આ રીતે અલગ-અલગ વાતો કરી દિનેશભાઈ અને તેમના પત્નીને 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખી રૂ. 88.50 લાખ પડાવ્યા હતા, જે અંગે ઓનલાઇન પોર્ટલ ઉપર ફરિયાદ કરી હતી. તેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ગઇકાલે ગુનો દાખલ કરી ભાવનગરના બ્રિજેશ પરેશ પટેલ (ઉ.વ. 36, રહે. સુભાષનગર, બાપા સિતારામ પાર્ક-1), મોહસીન સલીમભાઈ શેખ (ઉ.વ 33 , રહે. જોગીવાડની ટાંકી) અને મહંમદ સોયબ હલારી (ઉ.વ. 30, રહે. પ્રભુદાસ તળાવ નજીક)ની ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપીઓના બેન્ક ખાતાઓમાં ફ્રોડની રકમ જમા થઇ હતી. આ ઉપરાંત બીજા સ્થળે થયેલા ફ્રોડની રકમ પણ જમા થઇ હતી.
દાગીના ગિરવે મૂકી લોન લીધી : FD તોડાવી પૈસા ચૂકવ્યા
રાજકોટ, : ગઠિયાઓને પૈસા ચૂકવવા માટે દિનેશભાઈએ લોકરમાં પડેલા દાગીના ગિરવે મૂકી રૂ. 27 લાખની લોન લીધી હતી. એટલું જ નહીં એફડી તોડાવી હતી. પોસ્ટ ખાતામાં રહેલી રકમ પણ ઉપાડી લીધી હતી. આ રીતે તેમની મોટાભાગની જમા પૂંજી ગઠિયાઓએ પડાવી લીધી હતી.