કિશનવાડી વુડા આવાસમાં સીલીંગના પોપડા પડતાં દંપતીને ઈજા

કિશનવાડી વુડા આવાસ યોજનામાં આજે એક મકાનમાં સીલીંગના પોપડા પડતા દંપતીને ઇજા પહોંચી હતી. મોટાભાગના આવાસો ખખડધજ બન્યા હોય સ્થાનિકોએ રીનોવેશનની માંગ કરી હતી.
કિશનવાડી વિસ્તારમાં આવેલી વુડા આવાસ યોજનામાં સવારે બ્લોક નં. 37ના મકાન નં. 16માં સીલીંગના પોપડા પડતાં દંપતીને ઈજા પહોંચી હતી. બેડરૂમમાં બેસેલા ઉમેશભાઈ સિસોદિયા અને તેમની પત્ની રોમાબેન પર અચાનક સીલીંગનો ભાગ તૂટીને પડતાં ઘાયલ થયા હતા. રોમાબેનને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પતિ ઉમેશભાઈને કમર અને પગમાં હળવી ઈજા થઈ હતી. સદનસીબે તેમની પુત્રી અને માતા–પિતા આગળના રૂમમાં હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, આ પહેલીવાર નથી જ્યારે સીલીંગના પોપડા પડ્યા હોય. અગાઉ પણ આવું બન્યું હતું પરંતુ કોઈ જાનહાનિ ન થતા ઘટના ભૂલાઈ ગઈ હતી. હવે ફરી આવી દુર્ઘટના સર્જાતાં લોકોમાં ભયનું વાતાવરણ છે. મોટાભાગના મકાનો ખખડધજ બની ગયા છે અને ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિ છે. અનેક વખત કોર્પોરેશન અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. “અમારા જૂના ઝૂંપડા સારા હતા, અહીં તો દરરોજ ભય સતાવે છે.” રહેવાસીઓએ તમામ આવાસોના રીનોવેશન અને સમારકામ માટે પગલાં લેવાની માગ કરી છે.









