Get The App

કોર્પોરેશનમાં નોકરી અપાવવાના નામે દપંતિએ ૫૪ લાખની છેતરપિંડી આચરી

સેનેટરી ઇન્સપેક્ટરની નોકરીના ખોટા લેટર આપ્યા

વઢવાણ અને અમદાવાદમાં રહેતા પાંચ લોકોના વિશ્વાસ જીતવા માટે ગુગલ પે થી પગાર પણ ચુકવ્યોઃ પોલીસ તપાસમાં અનેક મોટા ખુલાસાની શક્યતા

Updated: Jun 8th, 2025

GS TEAM


Google News
Google News
કોર્પોરેશનમાં નોકરી અપાવવાના નામે દપંતિએ ૫૪ લાખની છેતરપિંડી આચરી 1 - image

અમદાવાદ,રવિવાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર અને અન્ય ઉંચા હોમાં નોકરી અપાવવાના નામે વટવામાં રહેતી એક મહિલા અને તેના પતિએ પાંચ લોકો સાથે ૫૪ લાખ રૂપિયા પડાવીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઇમબ્રાંચ ખાતે નોંધવામાં આવી છે. આરોપી દંપતિએ ભોગ બનનારાનો વિશ્વાસ જીતવા માટે થોડા મહિના સુધી ગુગલ પે થી ઓનલાઇન પગાર ચુકવ્યો હતો અને કોર્પોરેશનના લોગો સાથેના ખોટા ઓફર લેટર આપ્યા હતા. આ અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શહેરના પાલડીમાં આવેલા રાજદીપ એપાર્ટમેન્ટમાં રહેતા સ્નેહલતાબેન રામીના પતિ ભાવેશભાઇનું  પાંચ વર્ષ પહેલા અવસાન થયુ હતું. પતિના અવસાન બાદ આવકનું કોઇ સાધન નહોતુ જેથી બાળકોના ભવિષ્યની ચિંતા રાખીને નોકરી શોધતા હતા.  આ દરમિયાન સ્નેહલતાબેનના ભાઇના સાળા રવિ હળવદિયાએ તેમને જણાવ્યું હતું કે અમિષા રામી નામની મહિલાએ તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવી છે. તે તમને પણ નોકરી અપાવી દેશે. જેથી સ્નેહલતાબેને નોકરી માટે હા કહી હતી.

ત્યારબાદ અમીષા રામીએ તેમને કોલ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેનેટરી ઇન્સ્પેક્ટરની નોેકરી માટે બોલાવીને તેના બદલામાં સાડા પાંચ લાખ લઇને ત્રણ મહિનામાં નોકરીને ખાતરી આપી હતી.  થોડા મહિના બાદ તેમને કોર્પોરેશનમાંથી હિમાંશુ શુક્લા નામના વ્યક્તિનો  કોલ આવ્યો હતો. તેણે સ્નેહલતાબેનને બોપલમાં સેનેટરી ઇન્સ્પેક્ટરની નોકરીની ઓફર કરી હતી. પરંતુ, પાલડીથી બોપલ દુર હોવાથી તેમને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું હતુ અને થોડા દિવસમાં નિમણૂંક પત્ર  પહોંચતો કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ , થોડા દિવસ બાદ કોલ કરીને કહ્યું હતું વધારે ઉમરના કારણે તેમને સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે નોકરી મળી શકે તેમ ન ન હોવાનું કહીને એચ આર વિભાગમાં નોકરી માટે ઓફર કરી હતી. આ માટે બીજા  નાણાંની માંગણી કરતા સ્નેહલતાબેને ૧.૯૦ લાખ રોકડા આપ્યા હતા.  ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લોગો અને સહી સિક્કા સાથેનો એપોઇન્ટમેન્ટ લેટર મોકલ્યો હતો. જે અનુસંધાનમાં તેમને અલગ અલગ વોર્ડમાં મોકલીને બે થી ત્રણ મહિના ગુગલ પેથી પગારની ચુકવણી કરી હતી. આ દરમિયાન અમીષા રામીએ સ્નેહલતાબેનને જણાવ્યું હતું કે હિમાંશુ શુક્લા સર નિવૃત થવાના છે. તેમની હેડ ઓફિસરની પોસ્ટ પર તમને નોકરી મળી જશે. પરંતુ, આ માટે ૨૦ લાખ આપવા પડશે. આ માટે તેમણે  કોઇ દિનેશ દુલેરા નામના અધિકારીને વાત કરીને કુલ ૨૧.૭૪ લાખ રૂપિયા ચુકવ્યા હતા. બીજી તરફ સ્નેહલતાબેનને જાણવા મળ્યું હતું કે અમિષા રામી અને તેનો પતિ ધર્મેન્દ્ર ( વ્રજભૂમિ સોસાયટી, વટવા) સાથે મળીને નોકરીના નામે છેતરપિંડી આચરતા હતા. ધર્મેન્દ્ર કોર્પોરેશનને અધિકારીઓના નામે કોલ કરીને ખોટા લેટર મોકલતો હતો.  આ મોડ્સ ઓપરેન્ડીથી તેમણે ઘાટલોડીયા ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતા જલદીપ રામી, ચિરાગ રામી ( રીન્કુ એપાર્ટમેન્ટ, ખોખરા રોડ , મણિનગર), વઢવાણમાં રહેતા રવિ હળવદિયા અને સુજલ ટાંકોલિયા સાથે પણ  છેતરપિંડી કરીને તમામ લોકો પાસેથી કુલ ૫૪ લાખ જેટલા માતબર રકમ પડાવી હતી. આ અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચે તપાસ શરૂ કરી છે.


Tags :