Get The App

ધોળકા જીઆઇડીસી નજીક પગપાળા જતાં દપંતીનું અજાણ્યા વાહનની અડફેટે મોત

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
ધોળકા જીઆઇડીસી નજીક પગપાળા જતાં દપંતીનું અજાણ્યા વાહનની અડફેટે મોત 1 - image

- ધોળકા-ખેડા હાઇવે પર હિટ એન્ડ રન

- અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર : મૃતક દંપતી નડિયાદના નરસંડા ગામના વતની હતા

બગોદરા : ધોળકા જીઆઇડીસી નજીક પગપાળા જતું નડિયાદ તાલુકાના નરસંડા ગામના દંપતીને અજાણ્યા વાહને પાછળથી અડફેટે લેતા બંનેના સ્થળ પર જ મસ્ત નીપજ્યાં છે. અકસ્માત સર્જી આજાણ્યો વાહન ચાલક નાસી છુટયો હતો. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ધોળકા-ખેડા હાઇવે પર આવેલી ધોળકા જીઆઈડીસી નજીક મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની છે. રસ્તા પરથી પગપાળા જઇ રહેલા (૧) રાહુલ ભાઈ બાબુભાઇ નાયક  (૨) ગીતાબેન ઉર્ફે નાનકી બેન રાહુલભાઈ નાયક બંને રહે નરસંડા ગામ, તા. નડિયાદ, જિ. ખેડાને અજાણ્યા વાહને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંનેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલકે ફરાર થઇ ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ ધોળકા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતકોના મૃતદેહોનો કબજો લઈ પોસ્ટ મોર્ટમ માટે ધોળકા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

અકસ્માત સ્થળ પરથી બાઈકની નંબર પ્લેટ મળી

પોલીસને ઘટનાસ્થળ પર તપાસ દરમિયાન એક બાઈકની નંબર પ્લેટ મળી આવી છે. આ નંબર પ્લેટને પોલીસ માટે મહત્વની કડી માનવામાં આવી રહી છે. નંબર પ્લેટના આધારે પોલીસને અકસ્માત સર્જીને ફરાર થયેલા વાહન અને તેના ચાલક સુધી પહોંચવામાં સરળતા રહેશે, અને બનાવનો ભેદ ઝડપથી ઉકેલાઈ જશે તેવી આશા છે.