હાઇવે વાઘોડિયા બ્રિજ પર ટેમ્પા ચાલકે દંપતીને કચડી નાંખતા મોત

વડોદરા,નોકરી પર જતા દંપતીના મોપેડને વાઘોડિયા ચોકડી બ્રિજ પર એક ટેમ્પા ચાલકે ટક્કર મારતા દંપતી રોડ પર પટકાયા હતા. દંપતીને ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું. કપુરાઇ પોલીસે ટેમ્પો સ્થળ પર છોડીને ભાગી ગયેલા ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે.
ડભોઇ વાઘોડિયા રીંગ રોડ પર આદિત્ય ઓર્બિટમાં રહેતા લલીતભાઇ ભાંગલે એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે તેમના પત્ની રાજુદાબેન શિક્ષિકા તરીકે નોકરી કરે છે. આજે સવારે પોણા સાત વાગ્યે દંપતી મોપેડ પર વાઘોડિયા ચોકડી બ્રિજ પર સુરતથી અમદાવાદ તરફ જવાના રોડ પર જતા હતા. તે દરમિયાન પાછળથી આવતા એક ટેમ્પો ચાલકે ટક્કર મારતા દંપતી રોડ પર ફંગોળાઇને પડયા હતા. દંપતીને ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું. બનાવ સ્થળ પરથી દંપતી સાથે કામ કરતા અન્ય કર્મચારીઓ પણ જતા હોઇ તેઓએ દંપતીને ઓળખી બતાવ્યા હતા. દંપતીના સગા સંબંધીઓ મહારાષ્ટ્ર રહેતા હોઇ તેઓને જાણ કરવામાં આવી હતી. તેઓ મોડી સાંજે વડોદરા આવતા કપુરાઇ પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે.
શહેર નજીકના અનગઢ ગામે રહેતો ૧૯ વર્ષનો ઉમંગ સોમાભાઇ ગોહિલ આજે સવારે સાડા નવ વાગ્યે મોપેડ લઇને બાજવા ગામથી કરચિયા ગામ તરફ જતો હતો. તે સમયે પાર્વતીનગર સોસાયટી તરફ જવાના રોડ પર પૂરઝડપે આવતા એક ટેન્કર ચાલકે મોપેડને ટક્કર મારતા ઉમંગ ઉછળીને રોડ પર પટકાયો હતો. તેના પર ટેન્કરના પાછળના પૈંડા ફરી વળતા કચડાઇ જતા તેનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જે અંગે જવાહર નગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોકરીથી છૂટીને ઘરે જતા બાઇક સવારનું અકસ્માતમાં મોત
વડોદરા,
આણંદ જિલ્લાના સુંદણ ગામે મોટા ફળિયામાં રહેતા અર્જુનભાઇ હરિભાઇ સોલંકી રણોલીમાં આવેલી શર્મા પ્લાસ્ટિક કંપનીમાં છેલ્લા ૧૮ વર્ષથી નોકરી કરે છે. ગઇકાલે તેઓનો નોકરીનો સમય સવારના ૮ થી રાતના ૮ વાગ્યા સુધીનો હતો. રાતે નોકરી પરથી છૂટીને બાઇક પર તેઓ ઘરે આવતા હતા. તે દરમિયાન સાંકરદા ગામ મેલડી માતાના મંદિર પાસે બ્રિજ ચડતા સમયે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓને માથામાં ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. જે અંગે નંદેસરી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બે સંતાનોએ એકસાથે માતા - પિતાનું છત્ર ગુમાવ્યું
વડોદરા,
અકસ્માતમાં જીવ ગુમાવનાર લલીતભાઇ મુરલીધરભાઇ ભંગાલેના બહેને અકસ્માત અંગે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લલીતભાઇના પત્ની રુજુદાબેન ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા. આજે સવારે તેમના પતિ તેઓને સ્કૂલ પર મૂકવા માટે જતા હતા. તે દરમિયાન અકસ્માત થયો હતો. દંપતીનું મોત થતા તેમના નાની ઉંમરના બે સંતાનોએ માતા ૃ પિતાનું છત્ર એકસાથે ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.









