Gujarat

હજયાત્રાના બહાને દંપતી સાથે રૂા. 3.65 લાખની છેતરપિંડી

By GS TEAM
21 Jun 20252 mins read
હજયાત્રાના બહાને દંપતી સાથે રૂા. 3.65 લાખની છેતરપિંડી

- રાણપુર પોલીસ મથકમાં ટૂર ઓપરેટર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

- વર્ષ-2018 માં યાત્રા બુક કરાવ્યા બાદ કોરોનાનું બહાનું અને જુદા-જુદા વાયદા કરી વિશ્વાસઘાત કર્યો

ભાવનગર : બોટાદ જિલ્લાના રાણપુર ગામના વતની અને સુરેન્દ્રનગરમાં રહેતા દંપતીને હજયાત્રાએ લઈ જવાના બહાને રૂ.૪.૧૫ લાખ મેળવી લીધા બાદ હજયાત્રાએ નહીં લઈ જઈ છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર અમદાવાદના ટૂર ઓપરેટર વિરુદ્ધ મહિલાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે મળતી વિગત અનુસાર મૂળ રાણપુરના વતની અને હાલમાં સુરેન્દ્રનગર ખાતે રહેતા બૈયાબા દાદાસાહેબ પરમાર અને તેમના પતિ દાદાસાહેબ બાબાસાહેબ પરમારે આઠ વર્ષ પહેલા મક્કા મદીના હજ પઢવા માટે જવાની ઈચ્છા હોવાથી અખબારમાં મેરે ગરીબ નવાઝ ટુર્સ નામથી જાહેરાત જોઈ હતી. આ ટૂર ઓપરેટર અલ્હાજ ગુલામમુસ્તુફા અબ્દુલરહીમ શેખ (હાજીબાવા) નો મોબાઇલ ઉપર સંપર્ક કરી હજયાત્રા માટે રૂ.૪.૧૦ લાખ નક્કી કર્યાં હતા. ગત તા.૨૪ નવેમ્બર ૨૦૧૮ના રોજ રાણપુર આવ્યા હતા અને રૂ.બે લાખ એડવાન્સ લઈ ગયા હતા ત્યારબાદ અમદાવાદ ખાતે રૂ.૨.૦૫ લાખ રોકડા આપ્યા હતા અને પાસપોર્ટના કામ માટે રૂ.૧૦,૦૦૦ મળી કુલ રૂ.૪.૧૫ લાખ ચૂકવી આપ્યા હતા. પુરી રકમ ચૂકવવા છતાં હાજીબાવા દંપતીને હજયાત્રાએ લઈ ગયો ન હતો અને દંપતીએ અનેકવાર ફોન કરવા છતાં ફોન નહીં ઉપાડતા અમદાવાદ રૂબરૂ મળીને વાત કરતા તેણે રૂ.૧૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર કોરોના લોકડાઉન હોવાથી હજયાત્રા થઈ ન હોવાનું જણાવી વર્ષ વર્ષ ૨૦૨૧માં હજયાત્રા કરાવશે તેવું લખાણ કરી આપ્યું હતું. આમ છતાં પણ દંપતીને હજયાત્રા કરવી ન હતી. વર્ષ ૨૦૨૩ માં અમદાવાદના ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરી મુલાકાત થતા દંપતીએ રૂ.૪.૧૫ લાખ પરત માંગતા ગુલામમુસ્તુફા એ રૂ.૫૦ હજાર પરત કર્યાં હતા અને બાકીની રકમ ચૂકવી આપવા વાયદો કર્યો હતો. આ વાયદાને પણ બે વર્ષ થવા છતાં ગુલામમુસ્તુફા એ બાકીની રકમ રૂ.૩.૬૫ લાખ નહીં ચૂકવતા બૈયાબા દાદાસાહેબ પરમારે શખ્સ વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.