દંપતિને કેનેડાના પી.આર અપાવવાના બહાને ૨૫.૮૦ લાખ રૃપિયાની ઠગાઇ

કુડાસણમાં આવેલી ઈમિગ્રેશન ઓફિસના એજન્ટો દ્વારા
રૃપિયા લઇ લીધા બાદ પણ કામ નહીં કરનાર એજન્ટો સામે આખરે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો
ગાંધીનગર : ગાંધીનગરના કુડાસણમાં આવેલી ઈમિગ્રેશન દ્વારા કડીના રાજપુર ખાતે રહેતા દંપતીને કેનેડાના પી.આર વિઝા અપાવાના બહાને ૨૫.૮૦ લાખ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવા અંગે ઇન્ફોસિટી પોલીસ મથકમાં બે એજન્ટ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હાલમાં લોકોને વિદેશ મોકલવાના બહાને અલગ અલગ વિઝા કન્સલ્ટન્સી દ્વારા લાખો રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી રહી છે ત્યારે આ વખતે કડીના રાજપુર ગામે રહેતું દંપતી ગાંધીનગરના કુડાસણમાં આવેલી ઈમિગ્રેશન એજન્સીના એજન્ટોની છેતરપિંડીનો ભોગ બન્યું છે. આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ કડીના રાજપુર ખાતે રહેતા રવિસિંહ સુરેશસિંહ ડાભી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તે અને તેમના પત્ની ગાયત્રીબેન કેનેડાના પિઆર વિઝા મેળવીને ત્યાં સ્થાયી થવા માગતા હતા. તેમણે તેમના ગામના કનકસિંહ રાણાને આ અંગે વાત કરી હતી. જેમણે તેમને વિઝા એજન્ટ નિકુંજભાઈ વિનોદભાઈ શ્રીમાળીનો પરિચય કરાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, અમદાવાદ નરોડા ખાતે રહેતા તેમના બનેવી હરીશભાઈ દેવજીભાઈ પંડયા વિદેશી વિઝા એજન્ટ તરીકે કામ કરે છે. જેથી લગભગ બે વર્ષ પહેલાં, રવિસિંહ અને નિકુંજભાઈ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી ધ લેન્ડમાર્ક બિલ્ડીંગમાં એજ ઈમિગ્રેશન નામની ઓફિસમાં હરીશભાઈને મળ્યા હતા. હરીશભાઈ અને નિકુંજભાઈએ તેમને કેનેડાના વિઝા માટે કુલ ૬૫ લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું અને શરૃઆતમાં ૭ લાખ આપવા કહ્યું હતું. તબક્કાવાર બંનેને ૨૫.૮૦ લાખ રૃપિયા અને પાસપોર્ટ આપ્યાં હતાં પરંતુ તેમનું કામ થયું ન હતું. જેથી રૃપિયા પરત માંગ્યા હતા પણ તે નહીં મળતા આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.









