વડોદરાઃ ગેંડાસર્કલ પાસે વિઝા કન્સલન્ટિંગની ઓફિસ ધરાવતા દંપતીએ ૧૩થી વધુ ગ્રાહકોને વિદેશ મોકલવાના નામે રૃ.૨૯.૫૫ લાખ પડાવી લેતાં ગોરવા પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે.
છાણીના એકતાનગરમાં રહેતા અને મેનપાવર સપ્લાયનું કામ કરતા દિનેશ શર્માએ પોલીસને કહ્યું છે કે,મારા ૧૨ ગ્રાહકોને નોર્વે અને ઓસ્ટ્રીયા મોકલવાના હોવાથી ગેંડાસર્કલ પાસે એટલાન્ટિસ ખાતે વેસ્પર ગ્લોબલ પ્રા.લિ.ના નામે ઇમિગ્રેશનનું કામ કરતી પૂજા સલૂજા અને તેના પતિ રાજ પ્રભાકર (બંને રહે.કલ્પ ડિઝાયર, ગોત્રી રોડ)નો બે વર્ષ પહેલાં સંપર્ક કર્યો હતો.
પૂજાએ પોતે મુખ્ય સંચાલક હોવાનું અને તેના પતિ ડાયરેક્ટર હોવાનું કહ્યું હતું અને એક વ્યક્તિ દિઠ રૃ.૪ લાખ નક્કી કરી ૪થી ૬ મહિનામાં વર્કિંગ વિઝા અને ટિકિટ આપવાની બાંયધરી આપતાં તેને રૃ.૨૨.૬૭ લાખ ચૂકવ્યા હતા. ત્યારબાદ અમને લેટર આપવામાં આવ્યા હતા.પરંતુ મુંબઇની એમ્બેસીએ આ લેટર બોગસ હોવાનું કહ્યું હતું.
દિનેશભાઇએ કહ્યું છે કે,આ બાબતે પૂજાનો સંપર્ક કરતાં તેણે એક મહિનામાં રૃપિયા પરત આપવાની ખાતરી આપી હતી.પરંતુ ત્યારબાદ બંને પતિ-પત્ની ઇટલી ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.અમારી જેમ ગોઠડાના સૈયદ જુનેદઅલી પાસે પણ ગ્રાહકના નામે રૃ.૭.૧૦લાખ પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે.જેથી ગોરવા પોલીસે બંને પતિ-પત્ની સામે ગુનો નોંધ્યો છે.


