વડીયાના ઢુંઢીયા પીપળીયા ગામે ડબલ મર્ડર-લૂંટનો ભેદ ઉકેલાયો
એ જ ગામના બે સગ્ગા ભાઈઓ સહિત ચાર યુવકો ચોરી કરવા ઘરમાં ઘુસ્યા, પણ વૃધ્ધ દંપતી જાગી જતા કોષના ઘા મારી પતાવી દીધાની કબુલાત
પોલીસ સુત્રોએ જણાવ્યું કે, વડીયા તાલુકાના ઢુંઢીયા પીપળીયા ગામે તા.૧૭ની મધ્યરાત્રિએ ખેડૂત ચકુભાઈ રાખોલીયાના મકાનમાં કોઈ અજાણ્યા ઈસમો પ્રવેશ્યા હતા. ચકુભાઈ તથા તેમના પત્ની કુંવરબેન બંને ખાટલા પર સુતા હતા, જેમના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. વૃધ્ધ દંપતીની હત્યા કર્યા બાદ અજાણ્યા ઈસમોએ મકાનના રૂમમાં લોખંડના કબાટનું તાળુ તોડી રોકડ રકમ રૂા. બે લાખની લૂંટ કરી નાસી ગયા હતા. જે અંગે તેમના દીકરા હસમુખભાઈ રાખોલીયાએ વડીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટના મુદ્દે ગ્રામજનોએ રોષભેર રેલી કાઢીને હત્યારાઓને પકડવાની માગણી કરતા ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમારની સુચનાથી અમરેલી જિલ્લા પોલીસવડા સંજય ખરાતે એલસીબી અને એસઓજી સહિતની ૫૦ પોલીસ જવાનોની અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો. વડીયા પંથકમાં કામ કરતા પરપ્રાંતિય શખ્સોની ઉંડાણપૂર્વક પુછપરછ કરી હતી. સાથોસાથ છોટા ઉદેપુર, દાહોદ, તરફ જતી ખાનગી અને સરકારી બસમાં પણ તપાસ કરવામાં આવી હતી. જુદી-જુદી ટીમો દ્વારા ર૦ કિ.મી. સુધીના સીસીટીવી ફંફોળ્યા હતા. આ સાથે ટેકનીકલ સોર્સ અને બાતમીદારોના નેટવર્કને કામે લગાડયું હતું.
આખરે ઢુંઢીયા પીપળીયા ગામે ચકચારી ઘટના બાદ બે સગ્ગા ભાઈઓ સહિત અમુક યુવાનો ગાયબ હોવાનું ધ્યાને આવતા પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરીને મુખ્ય સુત્રધાર રામજી ઉર્ફે બાલો પ્રાગજીભાઈ સોલંકી (ઉ.વ.રપ, રહે. ઢુંઢીયા પીપળીયા), આશિષ ઉર્ફે બાવ પ્રાગજીભાઈ સોલંકી (ઉ.વ.રર, રહે. ઢુંઢીયા પીપળીયા), અનીલ કેશુ સોલંકી (ઉ.વ.રપ, રહે. ઢુંઢીયા પીપળીયા) અને મીઠુ ઉર્ફે રામસિંગ પીડીયાભાઈ મુહા (રહે. બડી ઢેબર, જિ.જામ્બુઆ,મધ્યપ્રદેશ)ને દબોચી લીધા હતા. જેમની કડક ભાષામાં પુછપરછ કરતા લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી. તેમણે કહ્યું કે, માત્ર ચોરી કરવા માટે ઘરમાં ઘુસ્યા હતા, પણ વૃધ્ધ દંપતી જાગી જતા ઓળખતા હોવાથી કોષના ઘા મારી હત્યા કરી નાખી હતી. બાદમાં કબાટમાંથી રોકડ અને રસોડામાંથી એક ઈલે.સગડીની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. બાદમાં ઈલે.સગડીના આધારે કોઈને ખબર પડી જશે એવું લાગતા એ અને કોષ અવાવરું જગ્યાએ ફેંકી દીધા હતા. આ સાથે પોલીસથી બચવા માટે બોટાદ, રાજકોટ અને મધ્યપ્રદેશ ભાગી ગયા હતા.
'તું પાગાનો છોકરો જ છે ને ? તું ઉભો રે'જે બધાને બોલાવું..' કહેતા જ વૃધ્ધને કોષનાં ઘા મારી દીધા
મુખ્ય સુત્રધાર રામજી ઉર્ફે બાલાએ પોતાના ભાઈ આશિષ અને અન્ય બે શખ્સો સાથે મળીને વૃધ્ધ ખેડૂત ચકુભાઈના ઘરે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. ચારેય ઈસમો તા.૧૭ના રોજ રાત્રીના ૧ર વાગ્યા પછી દીવાલ ટપી અંદર ગયા હતા. જ્યાં ટ્રેકટરમાં રાખવાની કોષ મળતા તેનાથી રૂમનું તાળુ તોડવા જતાં વૃધ્ધ ચકુભાઈ જાગી ગયા હતા અને બાલાને જાઈને કહ્યું કે, 'તું પાગાનો છોકરો બાલો જ છે ને ? તું ઉભો રે'જે હું બધા માણસો બોલાવું છું..' જેથી બાલાએ કહ્યું કે, 'આ આપણને ઓળખી ગયા છે, એટલે મારવા પડશે..' તેમ કહી માથામાં કોષનો ઘા મારતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા. આ હુમલા બાદ બાજુના ખાટલામાં સુતેલા કુંવરબેન જાગી જતા મીઠુએ તેમને પકડી રાખી આશિષે કોષના મારી હત્યા કરી નાખી હતી.
આરોપી બાલો વૃધ્ધના ખેતરે કામ કરી ચુક્યો છે
અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું કે, આરોપી બાલા અગાઉ વૃધ્ધ ચકુભાઈના ખેતરમાં દવા છાંટવાનું કામ કરતો હતો અને તેને મજૂરીના પૈસા લેવાના પણ બાકી હતા. આરોપી બાલાનો પરિવાર અને ચકુભાઈને એકબીજા સાથે સારી ઓળખાણ પણ હતી.
આજે ઢુંઢીયા પીપળીયા ગામે આરોપીનું રિ-કન્ટ્રકશન કરાશે
વડીયાના ઢુંઢીયા પીપળીયા ગામે વૃધ્ધ દંપતીની હત્યા કરનાર આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ચુકયા છે ત્યારે તેઓ કઈ રીતે દીવાલ કૂદીને ઘરમાં પ્રવેશ્યા હોવા સહિતની ઘટનાઓનું આવતીકાલે સોમવારે વડીયા પોલીસ દ્વારા રિ-કન્ટ્રકશન કરાવવામાં આવશે.
ગામમાં સીસીટીવી ન હોવાને કારણે મુશ્કેલી પડીઃ એસપી
ઢુંઢીયા પીપળીયા ગામમાં સીસીટીવી ન હોવાને કારણે હત્યા-લૂંટનો ભેદ ઉકેલવામાં ખુબ જ મુશ્કેલી પડી હોવાનું કહીને એસપી સંજય ખરાતે દરેક ગામોના સરપંચોને દાતાઓના સહકારથી તેમના ગામમાં વધુમાં વધુ સીસીટીવી નાખવા માટે અનુરોધ કર્યો હતો.


