કાલાવડમાં સોની વેપારીની દુકાનમાંથી 5.94 લાખના દાગીનાની ચોરીના પ્રકરણમાં પકડાયેલા દંપત્તિના રિમાન્ડ પુરા થતાં જેલમાં ધકેલાયા
Jamnagar Crime : જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં એક સોની વેપારીની દુકાને ગ્રાહકના સ્વાંગમાં રૂપિયા 5.94 લાખના ઘરેણા ભરેલો ડબ્બો ઉઠાવી જવાના પ્રકરણમાં પકડાયેલા અને રિમાન્ડ પર રહેલા દંપત્તિને ફરી અદાલત સમક્ષ રજૂ કર્યા બાદ જેલ હવાલે કરાયા છે, જ્યારે તેઓ પાસેથી ચોરાઉ સોનું ખરીદ કરનાર રાજકોટના એક વેપારીની અટકાયત કરી લઈ તેને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત મુખ્ય આરોપી મહિલાની શોધખોળ ચાલુ છે.
કાલાવડ ટાઉનમાં સ્વામિનારાયણ શેરીમાં રહેતા અને મેઇન બજારમાં મંગલમ જ્વેલર્સ નામની સોના ચાંદીના ઘરેણાંની દુકાન ધરાવતા જયેશકુમાર નવીનચંદ્ર ઝીંઝુવાડીયા નામના સોની વેપારીએ પોતાની દુકાનમાં ગ્રાહક તરીકે આવેલી એક મહિલા રૂપિયા 5.94 લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણાં પારદર્શક ડબ્બાની ઉઠાંતરી કરી ગયાની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાવી હતી.
આ પ્રકરણમાં પોલીસે રાજકોટના એક દંપતિ કિશન નટુભાઈ સોલંકી અને પૂજાબેન કિશનભાઇ સોલંકી ની અટકાયત કરી લીધી હતી. જેઓ પાસેથી ત્રણ તોલા સોનું એક લાખ ચાલીસ હજારની રોકડ રકમ 10,000 ના મોબાઈલ ફોન તેમજ એક રીક્ષા વગેરે કબજે કરી લીધા હતા. જે બંનેને અદાલત સમક્ષ રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર લેવાયા હતા, જેની રીમાન્ડની મુદ્દત પૂર્ણ થતાં ફરી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં બંનેને જેલ હવાલે કરી દેવા હુકમ થયો છે. જ્યારે આ પ્રકરણમાં આરોપીની માતા કિરણબેન સોલંકી કેટલાક ઘરેણા લઈને ફરાર થઈ ગઈ હોવાથી તેણીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત કાલાવડ પોલીસ દ્વારા આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી હતી, જેમાં આરોપીઓ દ્વારા સોનાના ઘરેણાની ચોરી કર્યા પછી રાજકોટમાં રહેતા રાજેશ રમેશભાઈ ભટ્ટી નામના એક સોની વેપારીને બિલ વગરનું સોનુ વેચી માર્યું હોવાથી તે સોનું ખરીદ કરનાર વેપારી રાજેશ રમેશભાઈ ભટ્ટીની કાલાવડ ટાઉન પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે, અને તેને કાલાવડ લઈ આવ્યા બાદ અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડ પર લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.