અજમેરની હોટલમાં ભભૂકેલી આગમાં લાઠીનાં દંપતી અને માસુમ પુત્રનું મોત
વેપારી પરિવાર દરગાહે દર્શન કરીને રાત્રે હોટલમાં રોકાયો'તો : ગત રવિવારે લાઠીથી અમદાવાદ સંબંધીને ત્યાં ગયા, બુધવારે અજમેર પહોંચીને ગુરૂવારે પરત આવવા નીકળે એ પહેલા જ કરૂણાંતિકા સર્જાઈ
અમરેલી, : રાજસ્થાનમાં આવેલા અજમેરની નાઝ હોટલમાં આજે ગુરૂવારે વહેલી સવારે ભયાવહ આગ ભભૂકી ઉઠતા ચાર લોકોના મોત થયા હતા, અને ૧૫થી વધુ લોકો ઘવાયા હતા. આ આગજનીમાં અમરેલી જિલ્લાના લાઠી ગામે રહેતા વેપારી મુસ્લિમ પરિવારના પતિ, પત્ની અને માસુમ પુત્ર સહિત ત્રણેય પણ ગંભીર રીતે દાઝી જવાથી કરૂણ મોત નીપજ્યા હતા. જેના પગલે લાઠી સહિત અમરેલી જિલ્લામાં અરેરાટી પ્રસરવા સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, અમરેલી જિલ્લા લાઠી ગામે રહેતા અને મેઇન બજારમાં રોયલ ચશ્મા નામની દુકાન ધરાવતા અલ્ફેઝભાઈ હારૂનભાઈ નૂરાની તેમનાં પત્ની સબનમબેન તથા પુત્ર અરમાન સાથે ગત રવિવારે લાઠીથી અમદાવાદ રહેતા સંબંધીને ત્યાં ગયા હતા. જ્યાં ત્રણ દિવસ રોકાયા બાદ ત્યાંથી ગઈકાલે બુધવારે રાજસ્થાનનાં અજમેર સ્થિત દરગાહે દર્શને કરવા માટે ગયેલા હતા. તેઓએ ગઈકાલે બુધવારે દરગાહે દર્શન કર્યા બાદ આજે ગુરૂવારે અજમેરમાં ફરવાના હતા અને આજે જ રાત્રે પરત આવવા માટે નીકળી જવાના હતા. જેથી ત્યાં જ અજમેરની નાઝ હોટલમાં રોકાયા હતા. પરંતુ કુદરતે કંઈક અલગ જ ધાર્યું હોય એવી કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી.
લાઠીનો વેપારી પરિવાર ગત રાત્રે રોકાયો હતો એ હોટલ નાઝમાં આજે સવારે શોર્ટ સકટ અથવા તો અન્ય કોઈ કારણોસર આગ ભભૂકી હતી અને થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. અહીં નાઝ હોટલે આવવા-જવાનો રસ્તો પણ સાવ સાંકળો હોય અને ત્યાં પણ કન્સ્ટ્રક્શનનું કામ ચાલતુ હોવાથી આગને કાબુમાં લેવા અને રાહત-બચાવ કામગીરીમાં વિક્ષેપ આવ્યો હતો. આ દરમિયાન ત્યાં જ હોટલમાં રોકાયેલા લાઠીના વેપારી અલ્ફેઝભાઈ હારૂંનભાઈ નૂરાની (ઉ.વ.30), તેમના પત્ની સબનમબેન અલ્ફેઝભાઈ નૂરાની (ઉ.વ. 26) તથા માસુમ પુત્ર અરમાન અલ્ફેઝભાઈ નૂરાની (ઉ.વ.4) પણ ભયાનક આગમાંથી સલામત બહાર આવી શક્યા નહોતા અને ગંભીર રીતે દાઝી જવાથી ત્રણેયના કરૂણ મોત નીપજ્યા હતા. અજમેરની આગજનીની ગંભીર દુર્ઘટનામાં અંગે લાઠીમાં તેમના પરિવાર તથા સગા-સંબંધી સહિત મુસ્લિમ સમાજ અને અન્ય સ્નેહીજનોએ જાણ થતાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. લાઠીના વેપારી દંપતી અને અને બાળકના મોતના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં લાઠી સહિત અમરેલી જિલ્લામાં અરેરાટી પ્રસરીગઈ હતી.