Gujarat

દેશની પ્રગતિ 'સોમનાથને' આભારી છે : મોદીની વંદના

By GS TEAM
12 May 20264 mins read
દેશની પ્રગતિ 'સોમનાથને' આભારી છે : મોદીની વંદના

- દેશના વારસાની જાળવણીની હજારો વર્ષ જૂની પરંપરા નવી પેઢીને સોંપીએ 

- સોમનાથના પુનઃનિર્માણના 75 વર્ષની સાથે પોખરણ પરમાણુ પરીક્ષણના 26 વર્ષને સ્મરીને વડાપ્રધાને કહ્યું દુનિયાની કોઈ તાકાત ભારતને દબાવી નહીં શકે

- મોદીએ ભીમદેવ, હમીરજી ગોહિલ, અહલ્યાબાઈ, સરદાર સહિત સૌને સંભાર્યા

- 1951માં સરદાર પટેલના પ્રયત્નોથી સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ થયું હતું ઃ 75 વર્ષ પૂરા થયાં

રાજકોટ : કરોડો ભાવિકોના આસ્થાના પ્રતિક અને દેશની હજારો વર્ષ પુરાની સાંસ્કૃતિક વિરાસત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનું આઝાદી પછી સરદાર પટેલના સંકલ્પથી તા.૧૧ મે ૧૯૫૧માં પુનઃનિર્માણ થયું તેને આજે સોમવારે ૭૫ વર્ષ પૂરા થયા તે નિમિત્તે યોજાયેલા ભવ્યાતિભવ્ય અમૃતપર્વમાં ઉપસ્થિત વડાપ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીએ  જનસભાને સંબોધિત કરતા જણાવ્યું કે આઝાદી પછી સોમનાથનું પુનઃનિર્માણ એ ભારતની ચેતનાનો ઉદઘોષ હતો, સોમનાથ અમૃત મહોત્સવ એ આવનારા એક હજાર વર્ષ માટે ભારતની પ્રેરણા છે, કાશી વિશ્વનાથ,કેદારનાથ, અયોધ્યા,સોમનાથ સહિત  તીર્થ સ્થળોનો વિકાસ ભારતની આર્થિક પ્રગતિ સાથે પણ જોડાયેલો છે .આજે ૧૧ સોમનાથ મંદિર પુનઃનિર્માણને ૭૫ વર્ષ પૂરા થયા તે સાથે આજે ઈ.સ.૧૯૯૮માં પોખરણ અણુ પરીક્ષણ ઓપરેશન શિવશક્તિની પણ ૨૭મી વર્ષગાંઠ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે એ સમયે દુનિયાભરની તાકાતો ભારતને હરાવવા મેદાનમાં ઉતરી આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા પણ તત્કાલીન વડાપ્રધાન અટલજીએ દુનિયાને બતાવ્યું કે ભારતીયો નોખી માટીના બનેલા છે, આ પરીક્ષણના બે દિવસ બાદ તા.૧૩ના ફરી પરમાણુ પરિક્ષણ કરાયા ત્યારે દુનિયાને સમજાઈ ગયું કે દુનિયાની કોઈ તાકાત ભારતને ઝુકાવી શકે નહીં કે દબાવી શકે નહીં. શિવ સાથે શક્તિની આરાધના આપણી પરંપરા છે અને તેથી ચંદ્રયાન મિશનમાં રોવર જ્યાં લેન્ડ થયું તેને આપણે શિવશક્તિ પોઈન્ટ નામ આપ્યું છે. 

વડાપ્રધાને ભીમદેવ પ્રથમ, રાજા ભોજ, કુમારપાળ, રા'ખેંગાર, વીર હિમીરસિંહ ગોહિલ, વેગડા ભીલ, અહલ્યાબાઈ હોલકરથી માંડીને સરદાર પટેલ સાથે કનૈયાલાલ મુનશી, ડો.રાજેન્દ્ર પ્રસાદ, ગાયકવાડ,જામ સાહેબ સહિત અનેક અનેક મહાનુભાવોના યોગદાનનું સ્મરણ કર્યું હતું જેમણે સોમનાથ દાદાની સેવામાં જીવન સમર્પિત કર્યું હતું. દેશની વિરાસતોની જાળવણીની હજારો વર્ષની પરંપરા નવી પેઢીને સોંપીએ તેવી અપીલ કરતા કહ્યું કે ભારતની ગૌરવશાળી સાંસ્કૃતિક વિરાસતોને અનેક વીર-સપુતોએ સંરક્ષિત કરી છે,હવે નવી પેઢીને તેની ભવ્યતાથી અને જવાબદારીથી જાગૃત કરીને  તેમને મહાન વારસો સોંપવાનો છે. સદ્ભાવના મેદાન ખાતે જનમેદનીને સંબોધતા વડાપ્રધાને કહ્યું સૃષ્ટિનું સર્જન અને અંતે વિલય શિવમાં થાય છે તેમના ધામમાં પુનઃનિર્માણનો અને હળાહળ વિષનું પાન કરીને નીલકંઠ કહેવાયા તેમના શરણમાં આજે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ તે ભગવાન સદાશિવની લીલા છે. સોમનાથનું પુનઃનિર્માણ કરાવીને સરદાર પટેલે દુનિયાને બતાવ્યું કે ભારત માત્ર આઝાદ નથી થયો પણ પ્રાચીન ગૌરવને પુનઃ હાંસલ કરવાના માર્ગે આગળ ધપી રહ્યો છે. આ ભારતનું એવું અવિનાશી સ્વરૂપ છે જેને સદીઓના કુત્સિત પ્રયાસો હરાવી,મિટાવી શક્યા નથી.હુમલાખોર આક્રાન્તાઓ ભારતનું વૈચારિક સામર્થ્ય જાણતા ન હતા, જેટલી વાર આક્રમણ થયું એટલીવાર સોમનાથ વધુ દિવ્યતાથી પુનઃનિર્માણ થયું છે. સોમનાથ આપણને યાદ અપાવે છે કે કોઈ પણ રાષ્ટ્ર લાંબા સમય સુધી ત્યારે જ મજબૂત રહી શકે જ્યારે તે તેના મૂળ સાથે જોડાયેલું હોય. 

શંખ-ડમરુના દિવ્ય ધ્વનિ સાથે હર હર મહાદેવનો નાદ ગૂંજ્યો 

વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાયો, રૂ.૭૫ના સિક્કાનું અનાવરણ કરાયું

સોમનાથ દાદાની મહાપૂજા કરીઃ પ્રથમવાર યોજાયેલ રોમાંચક એર શો નિહાળવા લોકો અગાશી પર ઉમટયા

રાજકોટ : સોમનાથ મંદિર પુનઃનિર્માણના ૭૫ વર્ષની ઉજવણી અમૃત મહોત્સવ નિમિત્તે સોમનાથ દાદાના સાનિધ્યમાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા.

* અમૃત પર્વ નિમિત્તે વડાપ્રધાનના હસ્તે સોમનાથ વિરાસતની ટપાલ ટિકીટ અને રૂ.૭૫ના મૂલ્યના સિક્કાનું અનાવરણ કરાયું હતું. 

* સોમનાથ હેલીપેડથી સોમનાથ મંદિર સુધીના રોડ શોમાં ભારતની દિવ્ય-ભવ્ય સંસ્કૃતિના દર્શન થયા હતા. એક ભારત-શ્રેષ્ઠ ભારતની થીમ સાથે વડાપ્રધાન ખુલ્લી જીપમાં હર્ષોન્નાદ કરતા જનતા જનાર્દનનું અભિવાદન ઝીલ્યું હતું. 

* દિગ્વિજય દ્વાર પાસે ઋષિકુમારોના શંખ-ડમરુના ધ્વનિ સાથે બેલવોક પરથી પસાર થઈ નિજમંદિરમાં વડાપ્રધાને દેવાધિદેવ મહાદેવને શીશ ઝુકાવી શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું. 

* રોડ શોમાં ગુજરાત, બંગાળ, ઉત્તર અને દક્ષિણ તથા પૂર્વોત્તર ભારતની  મોહિનીઅટ્ટમ,મેર રાસ, કથક્કલી, નટરાજ, ગરબા, મરાઠી,આસામના લોકનૃત્યો વગેરે કૃતિઓ પ્રસ્તુત થઈ હતી. 

* શંખ અને ડમરુના નાદ તથા અમૃત કળશ સાથે હર હર મહાદેવનો ગગનભેેદી નાદ ગુંજી ઉઠયો હતો. 

* સોમનાથ મંદિરના સ્વપ્નદ્રષ્ટા સરદાર પટેલને વડાપરધાને પૂષ્પાંજલિ અર્પણ કરી હતી.

* સોમનાથ ખાતે સૂર્યકિરણ એરોબેટીક્સ ટીમ દ્વારા રોમાંચક એર શો યોજાયો હતો જે નિહાળવા લોકો મોટી સંખ્યામાં અગાશી ઉપર ગોઠવાઈ ગયા હતા. 

* વડાપ્રધાન ગઈકાલે જામનગરના મહેમાન બનીને ત્યાં સર્કિટહાઉસ રોકાયા બાદ આજે સોમનાથ આવ્યા હતા. 

* સોમનાથમાં અભિવાદન સમારોહમાં ક્લાસીકલ ફ્યુઝન નૃત્ય, દાંડિયારાસ, તલવાર રાસ, માર્શલ આર્ટના કાર્યક્રમો સાથે સોમનાથનો ભવ્ય ઈતિહાસ ૧૦૦થી વધુ કલાકારો દ્વારા રજૂ કરાયો હતો. 

* સમગ્ર સોમનાથ અને આસપાસના વિસ્તારોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.