આણંદના મોગર ગામમાં 3 સ્થળે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
- બાપા સીતારામ મંદિર પાછળના દેશી દારૂ બનતો હતો
- 1,750 લિટર વૉશ, 85 લિટર દેશી દારૂ સહિત 61 હજારના મુદ્દામાલ સાથે 3 મહિલા બુટલેગર ઝડપાઈ
આણંદ એલસીબી પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મોગર ગામે દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હતી. ત્યારે મોગર ગામે બાપા સીતારામ મંદિર પાછળના વિસ્તારમાં ત્રણ જગ્યાએ દરોડો પાડતા દેશી દારૂની ચાલુ ભઠ્ઠી તથા દેશી દારૂ ૮૫ લિટર, દેશી દારૂ બનાવવાનો વૉશ ૧,૭૫૦ લિટર મળી આવ્યો હતો. સ્થળ પર હાજર મહિલાઓની પૂછપરછ કરતા કમળાબેન ભગાભાઈ મોતીભાઈ તળપદા, મંજુલાબેન રમેશભાઈ મોતીભાઈ તળપદા તથા મંગુબેન રાજુભાઈ મંગળભાઈ તળપદા હોવાનું જણાવવા સાથે ભઠ્ઠીઓ પોતાની હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કેરબાઓમાં ભરેલા રૂા. ૧૭ હજારના ૮૫ લિટર દેશી દારૂ, લોખંડના પીપમાં ભરેલા રૂા. ૪૩,૭૫૦ના ૧,૭૫૦ લિટર વૉશ તેમજ દારૂ ગાળવાના અન્ય સાધનો મળી રૂા. ૬૧ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે મહિલા વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી.