Gujarat

ખેડામાં 99 ગ્રામ પંચાયતોની મતગણતરી મોડી સાંજ સુધી ચાલી

By GS TEAM
26 Jun 20251 min read
ખેડામાં 99 ગ્રામ પંચાયતોની મતગણતરી મોડી સાંજ સુધી ચાલી

- ગળતેશ્વરના ટીંબાના મુવાડાના વોર્ડ નં.-૧માં બે વખત કાઉન્ટિંગ કરાતા ઉમેદવાર 1 મતે વિજેતા જાહેર

નડિયાદ : ખેડા જિલ્લામાં આજે સવારથી ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી હતી. જિલ્લાની કુલ ૮૪ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને ૧૫ ગામોની પેટા ચૂંટણી માટે આજે મતગણતરી ચાલી રહી છે. 

ખેડા જિલ્લામાં ૯૯ ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણી ગત ૨૨ જુનના રોજ યોજાઈ હતી. સામાન્ય ૮૪ અને પેટા ગ્રામ પંચાયત ૧૫ મળી કુલ ૯૯ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. 

સામાન્ય ચૂંટણીમાં ૭૯.૫૮ ટકા અને પેટા ચૂંટણીમાં ૬૬.૮૫ ટકા મતદાન થયું હતું. આજે બુધવારે આ ચૂંટણીનું પરિણામ જાહેર થયુ હતુ. જેમાં મોડી સાંજ સુધી મહુધા, કપડવંજ, કઠલાલ અને નડિયાદની મતગણતરી પૂર્ણ થઈ હતી. જ્યારે અન્ય તાલુકાઓમાં મોડી સાંજે પણ ગણતરી ચાલુ હતી.

ગળતેશ્વર તાલુકાની ૧૬ પૈકી એક માલવણ પંચાયત સમરસ થયેલી છે. જ્યારે અન્ય ૧૫ ગ્રામ પંચાયતોની મતગણતરી મોડર્ન હાઇસ્કુલ સેવાલિયામાં રાખેલી હતી. ત્યારે ટીંબાના મુવાડા વોર્ડ નં.-૪માં વિશાલભાઈ શર્મા માત્ર ૧ મતથી જીત્યા હતા. તેનું ફરીથી રિ-કાઉન્ટિંગ કરતા તેઓ જ વિજેતા બન્યા હતા.