સુરેન્દ્રનગર જિલ્લામાં 42 ગ્રામ પંચાયતની ચૂંટણીની 10 કેન્દ્ર પર આજે મતગણતરી

વરસાદી
માહોલ વચ્ચે સવારે નવ વાગ્યાથી ગણતરી શરૃ થશે
પોલીસના
ચાંપતા બંદોબસ્ત વચ્ચે ૧૧ હોલમાં ૨૯ ટેબલ પર ૨૫૧ અધિકારી-કર્મચારીઓ મતગણતરીમાં
જોડાશે
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લાની
૪૨ પંચાયતની સત્તા માટેનો જનાદેશ આજે બુધવારે મતપેટીઓમાંથી ખુલશે. જિલ્લાના ૧૦ મતગણતરી
કેન્દ્રો પર સવારે ૯ કલાકથી મતગણતરીનો પ્રારંભ થશે. મતગણતરીમાં કોઈ વાદ-વિવાદ ન થાય,
કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ૨૫૧થી વધુ ચૂંટણી અને પોલીસ
કર્મચારીને ફરજ સોંપવામાં આવી છે. જયારે, કેન્દ્રોની આસપાસ સલામતી
દળ દ્વારા કોર્ડન વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓને એકઠા થવા પર અને મોબાઈલ સહિતના
ઉપકરણો ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર
જિલ્લામાં ગત રવિવારે ૫૯ ગ્રામ પંચાયતોમાં
૫૩ બેઠકો અને ૧૫૨ વોર્ડના સભ્યો માટેની સામાન્ય
અને પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં સરેરાશ ૭૧.૮૦ ટકા મતદાન યોજાયું હતું. સામાન્ય ચૂંટણીમાં
૭૪.૫૪ ટકા અને પેટા ચૂંટણીમાં ૮૩ ટકા મતદાન થયું હતું. આ તમામ ૪૨ ગ્રામ પંચાયતનું આવતીકાલે
તા.૨૫ને બુધવારે સવારે ૯ કલાકથી જિલ્લાના ૧૦ મતગણતરી સ્થળેથી મતગણના શરૃ થશે. આ માટે
૧૦ મતગણતરી સ્થળે ૧૧ હોલમાં ૨૯ મતગણતરી ટેબલ ઉભા કરાયા છે. મતગણતરી માટે ૧૯૨ અધિકારી-કર્મચારી, વર્ગ-૪ના ૫૯ કર્મચારી અને
પોલીસ સ્ટાફ ફરજમાં રહેશે. જિલ્લામાં અગાઉ
૬ ગ્રામ પંચાયત સમરસ થઇ હતી. જિલ્લાભરમાં ચૂંટણી પરિણામોને લઈ ગ્રામ્ય કક્ષાએ ઉત્સાહનો
માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ
જિલ્લા ગ્રામ્યમાં બાવળા તાલુકામાં ૪ ગ્રામ પંચાયતોમાં, ૩ સરપંચની બેઠક અને ૯
વોર્ડના સભ્યો માટે ચૂંટણી માટે, દસ્ક્રોઇ તાલુકામાં પાંચ
ગ્રામ પંચાયતોમાં, ૪ સરપંચની બેઠક અને ૧ વોર્ડના સભ્યની
ચૂંટણી, ધોલેરા તાલુકામાં ૯ ગ્રામ પંચાયતોમાં, ૮ સરપંચની બેઠક અને ૩૫ વોર્ડના સભ્યો માટે, ધંધુકા
તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતોમાં, પાંચ સરપંચની બેઠક અને ૨૮
વોર્ડના સભ્યો માટે, વિરમગામ તાલુકામાં ૯ ગ્રામ પંચાયતોમાં,
૮ સરપંચની બેઠક અને ૨૧ વોર્ડના સભ્યો માટે, માંડલ
તાલુકામાં ૪ ગ્રામ પંચાયતોમાં, ૪ સરપંચની બેઠક અને પાંચ
વોર્ડના સભ્યો માટે,ધોળકા તાલુકામાં ૬ ગ્રામ પંચાયતોમાં,
૪ સરપંચની બેઠક અને પાંચ વોર્ડના સભ્યો માટે, દેત્રોજ
- રામપુરા તાલુકામાં ૧૨ ગામ પંચાયતોમાં, ૧૨ સરપંચની બેઠક અને
૪૨ વોર્ડના સભ્યો માટે, સાણંદ તાલુકામાં પાંચ ગ્રામ
પંચાયતોમાં, પાંચ સરપંચની બેઠક અને ૬ વોર્ડ સભ્યો માટે મતદાન
યોજાયુ હતું. આ તમામ ગ્રામ પંચાયતનું આજે તા.૨૫ને બુધવારે સવારે ૯ કલાકથી જિલ્લાના
૧૦ મતગણતરી સ્થળેથી મતગણના શરૃ થશે.








