Gujarat

જામનગર જિલ્લાના 187 ગામોમાં 'કોન બનેગા સરપંચ': મતગણતરીનો થયો પ્રારંભ

By GS TEAM
25 Jun 20252 mins read
TukuTouch Logo
છ સ્થળોએ શરૂ થયેલી મતગણતરી દરમિયાન અનેક ગામમાં સરપંચ પદના ઉમેદવાર વિજેતા જાહેર થતાં સમર્થકોમાં ભારે ઉત્સાહ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લાના 187 ગામોમાં 'કોન બનેગા સરપંચ': મતગણતરીનો થયો પ્રારંભ

Jamnagar Gram Panchayat Election : જામનગર સહિત રાજ્યભરની લાંબા સમયથી વહિવટદારના શાસનથી ચાલતી ગ્રામપંચાયતોમાં ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, જેમાં જામનગર જિલ્લાની કુલ 326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જાહેર થઇ હતી. જે પૈકી 60 ગ્રામ પંચાયત સમરસ અને 79 ગ્રામપંચાયતોમાં અમુક બેઠકો બિનહરીફ તેમજ અમુક બેઠકો પર ઉમેદવાર ન મળતાં બાકી રહેલી 187 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઈ ગયા બાદ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીનો પ્રારંભ થયો છે.

કુલ જુદા-જુદા 6 સ્થળો પર મતગણતરી ચાલી રહી છે. જે તમામ સ્થળો પર સરપંચના ઉમેદવારો તેમજ સભ્ય વગેરેને વિજેતા જાહેર કરવા માટે ચૂંટણી તંત્ર કામે લાગ્યું છે, અને એક પછી એક ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે. તમામ સ્થળો પર સરપંચ પદના ઉમેદવાર અને તેના સમર્થકોના ટોળા ઉંમટી પડ્યા છે, અને વિજેતા ઉમેદવારના સમર્થનમાં જય જય કાર બોલાવી રહયા છે, અને જીતનો જશ્ન મનાવાઈ રહ્યો છે.

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની આગેવાનીમાં સમગ્ર મતગણતરીની પ્રક્રિયાઓ હાથ કરવામાં આવી રહી છે, જ્યારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ શહેર વિભાગના ડી.વાય.એસ.પી. જે.એન.ઝાલા તથા અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીની ટીમ દ્વારા તમામ સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. 

એલસીબી અને એસઓજીની ટીમ પણ બંદોબસ્તમાં જોડાઇ છે, જયારે હોમગાર્ડનો પણ મોટો કાફલો મત ગણતરીના સ્થળે હાજર રહયો છે, અને એકંદરે શાંતિપૂર્ણ રીતે મતગણતરીની પ્રક્રિયાઓ ચાલી રહી છે. ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવારના નામની જાહેરાત કરાયા બાદ તેના સમર્થકો દ્વારા ઠેર-ઠેર વિજય સરઘસ કાઢવામાં આવી રહ્યા છે.