વડોદરામાં હાથીખાના બજાર નજીક ઇન્દિરાનગર વસાહત પાસેની ઝૂંપડપટ્ટી દૂર કરવા કાઉન્સિલરની રજૂઆત
Vadodara : વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાંથી પસાર થતા નાળાની આસપાસ ઇન્દિરાનગર વસાહત પાસે મોટી સંખ્યામાં ગેરકાયદેસર કાચા પાકા મકાનોના દબાણ પાણીના વહેણમાં અવરોધરૂપ બનતા હોય દબાણોને દૂર કરવા સ્થાનિક કાઉન્સિલરે સ્થાયી સમિતિના ચેરમેન સમક્ષ રજૂઆત કરી હતી.
કારેલીબાગ પાણીની ટાંકીથી કારેલીબાગ પોલીસ સ્ટેશન તરફના માર્ગ ઉપર હાથીખાના બજારના દરવાજા પાસે સામાન્ય વરસાદમાં પણ ગુઠણસમા પાણી ભરાઈ જાય છે. અને રસ્તો બ્લોક થઈ જતા સ્થાનિકો તથા વાહન ચાલકો પ્રતિવર્ષ હેરાન થાય છે. વોર્ડ નં 7 કાઉન્સિલરને ધ્યાને આવ્યું હતું કે, ઇન્દીરાનગર વસાહત પાસે નાળાની આસપાસ ઊભી થયેલ ઝૂંપડપટ્ટી કારેલીબાગ, ભૂતડીઝાંપા અને હરણી વિસ્તાર તરફથી આવતા વરસાદી અને ડ્રેનેજના પાણીના વહેણને રોકે છે. તેમજ આ લોકેશન ઉપર અસામાજિક પ્રવૃત્તિની ગતિવિધિ પણ રહે છે. જેથી વહેલીતકે ગેરકાયદેસર આ દબાણો દૂર કરવા રજૂઆત કરી હતી.