રાજકોટની બી.એ. ડાંગર હોમિયોપેથી કોલેજની માન્યતા કાઉન્સિલે રદ કરી
લાયકાત વગરના અધ્યાપકો, દર્દીઓ વગરની હોસ્પિટલ સહિતના મુદ્ે: કોલેજના ઇન્સ્પેક્શન દરમિયાન ગંભીર પ્રકારની બેદરકારી બહાર આવતા વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના વર્ષમાં નવા પ્રવેશ આપી નહીં શકાય, કોલેજ સંચાલકો અપીલમાં જશે
રાજકોટ, : સ્વનિર્ભર કોલેજોમાં ચાલતી વહીવટી ગરબડને કારણે ધંધાદારી કોલેજો જાણે પૈસા કમાવવાનું સાધન બની ગઇ હોય તેવી છાપ ઉપસતી રહી છે. દરમિયાન અહીં રાજકોટમાં જામનગર રોડ ઉપર આવેલી ચર્ચાસ્પદ બી.એ. ડાંગર હોમિયોપેથી કોલેજના ઇન્સ્પેક્શન દરમિયાન ઉડીને આંખે વળગે તેવી ગંભીર પ્રકારની બેદરકારી બહાર આવતા આજે નેશનલ હોમિયોપેથી કાઉન્સીલ દ્વારા વર્ષ 2025-2026થી કોલેજની માન્યતા રદ કરવાનો આદેશ કરવામાં આવતા ખાનગી કોલેજમાં ચાલતી લાલીયાવાડીનો મુદો વધુ એક વખત ચર્ચાસ્પદ બન્યો હતો.
નેશનલ કમિશન ફોર હોમિયોપેથી દ્વારા આજરોજ અહીંની બી.એ. ડાંગર હોમિયોપેથી કોલેજની વર્ષ 2025-2026ની માન્યતા રદ કરવાના આદેશ સાથે ડાંગર કોલેજની ક્ષતિઓ વિશે કોલેજને પાઠવવામાં આવેલા પત્રમાં જણાવ્યું હતું કે તાજેતરમાં મેડીક્લ એસસમેન્ટ એન્ડ રેટીંગ બોર્ડની ટીમ દ્વારા તા.4 સપ્ટેમ્બર-2025ના રોજ કોલેજની વીઝીટ કરવામાં આવી હતી જેમાં અધ્યાપકોની હાજરીમાં મુદે ક્ષતિઓ જોવા મળી હતી. હોસ્પિટલમાં કોઇ દર્દી કે રેલીડન્ટ ડોક્ટર હાજર જોવા નહોતા મળ્યા, દર્દીઓના રેકર્ડની કોઇ નોંધ પણ નહોતી. 3 સપ્ટેમ્બર-2025ના 245 પેશન્ટની ઓપીડી હતી. જ્યારે તા. 4 સપ્ટેમ્બરના કોઇ દર્દી જોવા નથી મળ્યા. આ પ્રકારની વિગતોના ઉલ્લેખ સામે કોલેજની ક્ષતિઓ વિશે દર્શાવાયું હતું કે કોલેજમાં ચાર ફેકલ્ટી ધારા ધોરણો મુજબ લાયકાત ધરાવતી નથી. (2) એકસરે ટેકનીશ્યનને હોસ્પિટલનું મશીનની જાણકારી નથી, પેથોલોજી વિભાગમાં પરીક્ષણ માટે બે-ત્રણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પરંતુ પરીક્ષણ કાર્ય યોગ્ય રીતે નહોતું, ઇન્ટર્નશીપ કરનારા ઉમેદવારોનો ડેટા કે રેકર્ડ વ્યવસ્થિત જોવા નથી મળ્યું. આ પ્રકારના અન્ય કારણો દર્શાવી વર્ષ 2025-2026થી માન્યતા રદ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. અલબત્ત કોલેજના સંચાલક જનકભાઇ મહેતાએ કાઉન્સીલે માન્યતા રદ કરી હોવાનો એકરાર કરી આ મુદ્ે અપીલમાં જવાની સાથે હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી દર્શાવી હતી.