Get The App

કપાસિયા તેલ સિંગતેલ લગોલગ! ડબ્બાના ભાવ રૂ. 2400 પહોંચ્યા

- બજારૂ ફરસાણમાં તથા ઘરેલુ વપરાશમાં મોટાપાયે વપરાતા

- માંગમાં વધારો નહીં છતાં ભાવ આસમાને

Updated: Jul 20th, 2021

GS TEAM

Google News
Google News
કપાસિયા તેલ સિંગતેલ લગોલગ!  ડબ્બાના ભાવ રૂ. 2400 પહોંચ્યા 1 - image


યાર્ડમાં કપાસના ભાવ રેકોર્ડબ્રેક રૂ।. 1700ને પાર થયા બાદ હવે તેલમાં ભડકો 

રાજકોટ, : બજારમાં મોટી દુકાનો, હોટલોથી માંડીને લારીઓમાં વેચાતા વિવિધ પ્રકારના ફરસાણ, ફાસ્ટ ફૂડમાં વ્યાપક રીતે વપરાતું તેમજ સિંગતેલ મોંઘુ પડવાથી વિકલ્પમાં અનેક ઘરોમાં વપરાતા કપાસિયા તેલ નો ભાવ રાજકોટ બજારમાં આજે વધુ રૂ।.૨૦ના વધારા સાથે  ૧૫ કિલો ડબ્બાનો ભાવ રૂ।.૨૪૦૦એ પહોંચ્યો છે. જ્યારે સિંગતેલના ભાવ પણ આજે રૂ।.૨૦ વધીને ૧૫ કિલો ડબ્બાના રૂ।.૨૪૨૫-૨૪૬૫ થતા કપાસિયા અને સિંગતેલ વચ્ચે ભાવફરક માત્ર ૬૫ રૂ।.નો એટલે કે કિલોએ ચાર રૂ।.નો જ ફરક રહ્યો છે.  

વેપારીઓએ અને ઓઈલમિલરોએ કપાસિયા તેલમાં તેજી માટે માલની અછતનું કારણ આપ્યું છે.  દેશમાં ૧૩.૫૦ લાખ ટનથી વધુ કપાસિયા તેલ ખવાય છે. ૧૯મી સદીમાં કપાસિયા તેલ દિવો પેટાવવા માટે યુરોપમાં શોધાયું હતું અને ૨૦મી સદીમાં તે ખાવા માટે ઉપયોગ શરૂ કરાયા બાદ અને માર્કેટીંગ થયા બાદ હાલ ૨૧મી સદીમાં  તેનું વેચાણ આંશિક-વધઘટ સાથે દેશમાં ઉંચાઈએ જળવાયું છે અને ભારત સિંગતેલની સાથે કપાસિયા તેલમાં સૌથી અગ્રેસર અને તેમાંય ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. 

તાજેતરમાં રાજકોટ યાર્ડમાં ૨૦ કિલો કપાસનો ભાવ આજ સુધીનો સૌથી વધારે રૂ।.૧૭૨૪ નોંધાયો છે અને આજે પણ યાર્ડમાં ૬૨૦ કપાસની આવક વધીને ૬૨૦ ક્વિન્ટલ થઈ હતી છતાં ભાવ રૂ।.૧૭૦૭ સુધી રહ્યા હતા.હવે કપાસિયા તેલના ભાવમાં ભડકો થવા લાગ્યો છે.

આઠ દિવસ પહેલા તા.૧૦ જૂલાઈએ  રાજકોટ કપાસિયા તેલના  રૂ।.૨૨૬૫-૨૨૯૫ના ભાવે  સોદા થયા હતા,અને ડબ્બો રૂ।.૨૩૦૦થી ઓછા ભાવે મળતો હતો,  ત્યારબાદ રોજ સતત વધારો થઈને આજે  ભાવ વધીને રૂ।.૨૩૭૦-૨૪૦૦એ પહોંચ્યા છે.આમ, આઠ દિવસમાં જ રૂ।.૧૦૫નો તોતિંગ વધારો થયો છે.  જેનાથી મોંઘવારીનો માર વધુ પડયો છે.

રાજકોટમાં ફરસાણના વેપારીઓએ ખાદ્યતેલોના ભાવવધારાના પગલે અગાઉથી જ ફરસાણમાં કિલોએ રૂ।.૨૦થી ૪૦નો વધારો કર્યો છે. આમ, હવે ફરસાણ સિંગતેલમાં તળીને વેચાય તો પણ વેપારીઓને ખાસ ફરક પડતો નથી. જો કે, વેપારીઓએ જણાવ્યું કે કપાસિયા તેલમાં ફરસાણ લાંબો સમય ટકતું હોવાનું માનીને હજુ તે જ વપરાઈ રહ્યું છે. 

Tags :