વડોદરા જિલ્લામાં કપાસની ખરીદી ગત વર્ષ કરતાં વધી,પહેલીવાર સ્લોટની ફેસિલિટી,16 જાન્યુ સુધી ખરીદી લંબાવી

વડોદરાઃ
વડોદરા જિલ્લામાં ટેકાના ભાવે કપાસની ખરીદી માટે ખેડૂતોનો ધસારો ચાલુ રહેતાં ગયા વર્ષે વડોદરાના ત્રણ સેન્ટર પર કુલ કપાસ ખરીદવામાં આવ્યો હતો તેના કરતાં કપાસની આવક વધી ગઇ છે.ખેડૂતોનો ધસારો જોતાં ખરીદી માટે મુદલ લંબાવવામાં આવી છે.
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વડોદરા જિલ્લામાં કપાસની ખરીદી માટે કરજણ,ડભોઇ અને સમલાયા ખાતે કુલ ત્રણ સેન્ટર રાખવામાં આવ્યા છે.જેમાં ખેડૂતોએ નિયમાનુસાર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે.
આ વખતે ખેડૂતો માટે તા.૩૧મી ડિસેમ્બર સુધી નોંધણીની મુદત રાખવામાં આવી હતી.પરંતુ ત્રણેય સેન્ટર પર ખેડૂતોનો ધસારો ચાલુ રહેતાં અને તેમણે ખરીદી પ્રક્રિયા લંબાવવા માટે માગણી કરતાં સીસીઆઇએ સમગ્ર રાજ્યમાં તા.૧૬મી જાન્યુઆરી સુધી ખરીદી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
વડોદરા જિલ્લામાં ગત વર્ષ કરતાં કપાસની ખરીદીમાં વધારો થયો છે.હજી ૧૦ દિવસ ખરીદી ચાલુ રહેવાની છે ત્યારે અત્યાર સુધીમાં કપાસની ખરીદીના આંકડા ગતવર્ષ કરતાં વધી ગયા છે.ત્રણેય સેન્ટર પર ગયા વર્ષે કુલ ૧.૭૯ લાખ ક્વિન્ટલ કપાસની ખરીદી નોંધાઇ હતી. પરંતુ આ વખતે ખરીદીનો આંકડો ૧.૮૨ લાખ ક્વિન્ટલથી વધી ગયો છે.
ખેડૂતોને પહેલીવાર સ્લોટ પસંદગી માટે સુવિધા મળતાં આવક વધી
કપાસની ખરીદી માટે ખેડૂતોને તેમની મરજી મુજબનો સ્લોટ આપવાની પહેલીવાર સુવિધા મળતાં કપાસની આવકમાં વધારો થયો છે.
મળતી માહિતી મુજબ,અત્યાર સુધી કપાસની ખરીદી માટે સીસીઆઇ દ્વારા મુદત આપવામાં આવતી હતી,અને તે મુજબ ખેડૂતોએ કપાસ ભરવાનો હતો. પરંતુ આ માટે ભારે ભીડ જામી હોવાથી ખાનગી વેપારીઓ ફાવતા હતા.
પરંતુ આ વખતે ખેડૂતો માટે ઓનલાઇન ખરીદી માટે મરજી મુજબ સ્લોટ પસંદ કરવાની સુવિધા રાખવામાં આવી છે.જેને કારણે ખેડૂતો સીધા સેન્ટર પર આવી રહ્યા છે.
વડોદરા જિલ્લામાં કપાસનું વાવેતર સૌથી મોખરે
વડોદરા જિલ્લામાં કુલ ૩,૪૭,૧૩૭ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવતું હોય છે.જેમાં મુખ્ય પાકોમાં કપાસ સૌથી મોખરે છે.ગત વર્ષે કપાસનું વાવેતર ૮૦ હજારથી વધુ હેક્ટરમાં થયું હતું.








