વિરપુરમાં રૂ. 1.20 કરોડના ખર્ચે નવા બનતા માર્ગના કામમાં ભ્રષ્ટાચારની બૂમ

- મુકેશ્વર મંદિરથી સરાડિયા તરફ
- કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનો સામાન વપરાયાનો આક્ષેપ કામ અટકાવી ગ્રામજનોની રજૂઆતને પગલે ટીમ દોડી આવી
વિરપુરમાં આવેલા મુકેશ્વર મહાદેવ મંદિરથી સામૂહિક આરોગ્ય કેન્દ્રના માર્ગનું રૂ ૧.૨૦ કરોડના ખર્ચે નવીનીકરણ કરવા કામ મંજુર કરતા કામગીરી શરૂ કરી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામમાં હલકી ગુણવત્તાનો સામાન વપરાતો હોવાનું ગ્રામજનોના ધ્યાને આવતા હોબાળો મચાવ્યો હતો.આ અંગે સરપંચને જાણ કરતાં તેઓ સ્થળ પર પહોંચી અને અધિકારીને જાણ કરી તાત્કાલિક કામ અટકાવી દીધું હતું. આ માર્ગ ૧૦ વર્ષથી ખખડધજ હાલતમાં હતો.જેના નવીનીકરણ માટે અનેક રજુઆતો કરી હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.૧.૨૦ કરોડના ખર્ચે નવીન માર્ગ બનાવવાની મંજૂરી મળતાં ંખાતમુહૂર્ત કરાયું હતું પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા સમગ્ર કામમાં સિમેન્ટ કરતા રેતીનું પ્રમાણ વધુ રાખી રસ્તાનું કામ આટોપી લેવા પ્રયાસ કરતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો.આ અંગે સરપંચને જાણ કરતાં તેઓ પણ સ્થળ પર પહોંચ્યાં હતાં.તેઓએ માર્ગ -મકાન વિભાગના અધિકારીઓને જાણ કરતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યાં હતા.હાલ કામ અટકાવી દીધું છે.આ અંગે ગ્રામજનોના જણાવ્યા મુજબ વિરપુરના મુકેશ્વર મંદિરથી લઇ સરાડીયા તરફના મુખ્ય જિલ્લા મથકને જોડતા માર્ગના કામમાં હલ્કી ગુણવત્તાના રેતી - કપચી જેવા માલસામાન વપરાયાની વિગતો બહાર આવી છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદના પગલે સેમ્પલ લેવાશે, બાદમાં કામ ચાલુ કરાશે
વિરપુરના મુકેશ્વર મહાદેવ મંદિરથી સામુહિક આરોગ્ય કેન્દ્ર સુધીના રસ્તાના નવીનીકરણના કામમાં રેતીની ફરિયાદ ઉઠી હતી. આ અંગે સેમ્પલ લેવામાં આવશે. જે લેબમાં મોકલી આપશે. તેના રિપોર્ટ બાદ કામ ચાલુ કરવામાં આવશે.ઃ રવિન્દ્ર ઠાકોર, એસઓ, બાલાસિનોર









