Gujarat

સુરેન્દ્રનગરમાં પાણીની 50 કરોડની લાઈનમાં ભ્રષ્ટાચાર, ઠેર ઠેર લિકેજ

By GS TEAM
11 Dec 20252 mins read
સુરેન્દ્રનગરમાં પાણીની 50 કરોડની લાઈનમાં ભ્રષ્ટાચાર, ઠેર ઠેર લિકેજ

તંત્ર માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી હાલત

વઢવાણ સુરેન્દ્રનગર હાઇવે ઉપર ચોમાસાની માફક પાણી ભરાયા, હાઈવેનો ડામર રોડ તૂટી જવાની ભીતિ

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં નલ સે જલ યોજના અંતર્ગત અંદાજિત ૫૦ કરોડથી વધુના ખર્ચે પીવાની પાણીની પાઇપલાઇનનો નાખવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરને રોજ ચોખ્ખું પીવાનું પાણી મળી રહે તેવા આશય સાથે નંખાઈ રહેલી લાઈનમાં એક સાંધે અને તેર તૂટે જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સુરેન્દ્રનગર વઢવાણ મુખ્ય હાઇવે ઉપર લાઇનનો વારંવાર લીકેજ થઈ રહી છે. જેને લઈને તંત્ર દ્વારા રોડ રસ્તા ઉપર ખાડાઓ ખોદી રીપેરીંગ કામગીરી કરાતા હાઇવેનો રોડ પણ ખરાબ થઈ રહ્યો છે.

બીજી તરફ શહેરીજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે સુરેન્દ્રનગર શહેરમાં નવી પીવાની પાણીની પાઇપલાઇનનો નાખવામાં આવી છે તે હલકી કક્ષાની છે. વિવિધ જગ્યાઓ ઉપરથી પીવાના પાણીની પાઇપલાઇનનો તૂટી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ હાઇવે ઉપર પણ આ પ્રકારની ઘટનાઓ બનતા પાણી જમીનમાંથી બહાર આવી રહ્યું છે અને રોડ ઉપર ભરાવો પણ થઈ રહ્યો છે. જેને લઇને ભર શિયાળે વાહન ચાલકોને હાઇવે ઉપર પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. બીજી તરફ ડામર અને પાણીને આડવેર હોય છે, ત્યારે હાઇવે ઉપર ડામર રોડ ઉપર જ પાણી ભરાઈ રહેતા ડામર તૂટવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અનેક જગ્યાઓ ઉપરથી પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હોવાના કારણે રીપેરીંગના બહાને રોડ રસ્તાઓ ખોદવામાં આવી રહ્યા છે. બીજી તરફ રોડ રસ્તાના ખોદકામ બાદ વ્યવસ્થિત રીપેરીંગ પણ કરવામાં નથી આવી રહ્યા. જેને લઈને હાઇવેનો રસ્તો ખરાબ થઈ રહ્યો છે.

નબળી કક્ષાની પાણીની પાઇપલાઇન નાખનાર કોન્ટ્રાક્ટર એજન્સી સામે કડક પગલાં ભરવામાં આવે અને પાણીની પાઇપલાઇનનો જે નાખવામાં આવી છે તેનું ટેસ્ટિંગ તથા ગુણવત્તાની ચકાસણી પણ કરવામાં આવે જેવી શહેરીજનો દ્વારા માંગ કરવામાં આવી છે.