Get The App

જમીનના દસ્તાવેજ રજિસ્ટ્રેશન થઈ ગયા પછી ખેડૂત ખરાઈના પ્રમાણપત્રને નામે પચ્ચીસથી પચાસ હજાર પડાવતા નાયબ મામલતદારો

આઠ અમાં ખેડૂતખાતેદારના નામ અને સરનામા સાથે ફોટા ચોંટાડી દેવાની સિસ્ટમ લાવીને ખેડૂતોની હાલાકી દૂર કરો

દસ્તાવેજની રદ કરવાનો ઓર્ડર કરતાં પહેલા નાયબ મામલતદારને સાત દિવસમાં વેરિફાય કરવાનો આદેશ આપો

Updated: May 19th, 2025

GS TEAM

Google News
Google News


જમીનના દસ્તાવેજ રજિસ્ટ્રેશન થઈ ગયા પછી  ખેડૂત ખરાઈના પ્રમાણપત્રને નામે પચ્ચીસથી પચાસ હજાર પડાવતા નાયબ મામલતદારો 1 - image(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, સોમવાર

જમીનના દસ્તાવેજ થઈ ગયા પછી નાયબ મામલતદારો ખેડૂત ખરાઈના પ્રમાણપત્ર રજૂ કરવાના કારણો આગળ કરીને ખેડૂતની જમીનના સોદાઓને લગતા દસ્તાવેજો રદ કરી દેતા હોવાનું બહાર આવી રહ્યું છે. નાયબ મામલતદાર(મહેસૂલ)ની કચેરી અને તેના અધિકારીઓ ખેડૂત ખરાઈને નામે ખેડૂતો પાસે રૃા. ૨૫૦૦૦થી માંડીને રૃા. ૫૦,૦૦૦ પડાવી લેતા હોવાનું પણ બહાર આવી રહ્યું છે.

ખેડૂતની જમીન સંપાદનમાં ગઈ હોય કે પછી ખેડૂતે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં સ્થળાંતર કર્યું હોય તો તેવા સંજોગોમાં તેને નવા વિસ્તારમાં જમીન ખરીદવી પડે છે. આ જમીન ખરીદીને દસ્તાવેજ કરી દે છે. આ દસ્તાવેજ મંજૂરી માટે નાયબ મામલતદાર મહેસૂલ પાસે મંજૂરી માટે મોકલવામાં આવે છે. આ તબક્કે ખેડૂત ખાતેદાર  હોવાનું પ્રમાણપત્ર તેની પાસે માગવામાં આવે છે. 

ઉદાહરણ આપીને વાત કરીએ તો વિજાપુરના મૂળ વતની એવા ખેડૂત વિસનગરમાં જમીન ખરીદે છે. આ જમીનની ખરીદી વખતે દસ્તાવેજ તૈયાર કરવામાં આવે ત્યારે તેની પાસેના સાત બારના ઉતારાનો અને આઠ-અનો પુરાવો મોજૂદ હોય છે. તેનો દસ્તાવેજમાં ઉલ્લેખ કરેલો જ હોય છે. તેમ છતાં નાયબ મામલતદાર મહેસૂલ ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર રજૂ કરવાનો આગ્રહ રાખે છે. આ સ્થિતિમાં વિજાપુરના નાયબ મામલતદાર (મહેસૂલ) પાસે ખેડૂત પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરવી પડે છે. આ અરજી કરે તે પછી નાયબ મામલતદાર (મહેસૂલની કચેરી અને તેના અધિકારીઓ ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર આપતા પહેલા ખેડૂત પાસે સોગંદનામું માગે છે. ચાર-પાંચ ધક્કા ખવડાવે છે. વારંવાર ધક્કા ન ખાવા પડે તે માટે ખેડૂત વચેટિયા એજન્ટને રાખે છે. એજન્ટ પોતાની ફી અને મામલતદારને આપવાના નાણાંને નામે રૃા. ૫૦,૦૦૦થી ૬૦,૦૦૦ મેળવી લે છે. આમ ખેડૂતોએ ખર્ચના ખાડામાં ઉતરવું પડી રહ્યું છે. ખેડૂત ખર્ચ ન કરે ત્યાં સુધી ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર આપવામાં ગલ્લાતલ્લાં કરવાનું ચાલુ રાખવામાં આવે છે. 

ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર ન મળે તો દસ્તાવેજ રદ કરી દેવાની ઘટના બને છે. દસ્તાવેજ રદ થાય તો ૯૦ દિવસમાં જિલ્લા કલેક્ટરમાં અપીલ કરવી પડે છે. કલેક્ટર અપીલ દસ્તાવેજ પ્રાન્ત ઓફિસરને મોકલી આપે છે. પ્રાન્ત ઓફિસર સમક્ષ રજૂઆત કરવા માટે વકીલ રોકવો પડે છે. વકીલની ફી ચૂકવવી પડે છે. પ્રાન્ત ઓફિસર તે પછીય ખેડૂત પ્રમાણપત્ર આપવાની અરજીનો અસ્વીકાર કરી દે તો તેવા સંજોગોમાં ખેડૂતો હાઈકોર્ટમાં અને હાઈકોર્ટથી ઉપર સુપ્રીમ કોર્ટમાં જવાની નોબત આવે છે. મહેસૂલના કાયદામાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ આ પ્રકારના કેસોમાં સીધા કોર્ટમાં જઈ શકાતું નથી. કલેક્ટર તેમની માગણીનો અસ્વીકાર કરતો હુકમ કરે તો તે પછી ખાસ સચિવ(મહેસૂલ)ની કચેરીમાં ધા નાખવી પડે છે. 

આ સ્થિતિમાં ખેડૂતનો સોદો પડી ભાંગે છે અને સાતબારની એન્ટ્રી અને આઠ અની એન્ટ્રીને કારણે ખેડૂત હોવા છતાંય  તેને ખેડૂત હોવાનું પ્રમાણપત્ર આપવાની ફરજ પડી રહી છે. આ અંગેના જાણકારો કહે છે કે આ આખી સિસ્ટમ જ ખોટી છે. ખરેખર આધારકાર્ડની માફક તે ખેડૂત હોવાનો અલગ કાર્ડ બનાવવો હોય તો બનાવી શકે છે. આ સમસ્યાનો ઉકેલ આપવો ગુજરાતના મહેસૂલ ખાતાના હાથમાં છે. તેનાથી લોકોની હાલાકી ન વધે તે જોવાની જવાબદારી મહેસૂલ મંત્રીની જ છે.


Tags :