Gujarat

ધ્રાંગધ્રામાં અમૃત યોજનામાં ભ્રષ્ટાચાર - જીયુડીસી દ્વારા ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન

By GS TEAM
25 Nov 20251 min read
ધ્રાંગધ્રામાં અમૃત યોજનામાં ભ્રષ્ટાચાર - જીયુડીસી દ્વારા ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન

પાણીની લાઈન નાખવાના કામમાં પણ વેઠ ઉતારી હતી

સંપના કામમાં એજેક્સ મશીનરીને બદલે 'કામચલાઉ' મીલરનો ઉપયોગ ઃ તપાસની માંગ

ધ્રાંગધ્રાધ્રાંગધ્રા શહેરમાં રાજ્ય સરકારની અમૃત ૨.૦ યોજના અંતર્ગત આશરે ૨૦ કરોડના ખર્ચે પીવાના પાણીની સુવિધા માટે સંપ બનાવવા અને પાઈપલાઈન નાખવાના કામ શરૃ કરાયું છે. જોકે, જીયુડીસી (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદો ઊઠી છે.

વોર્ડ નંબર ૦૧માં બનાવેલા સંપના પોપડા ઉપયોગ પહેલા જ પડવા લાગ્યા હતા. જ્યારે વોર્ડ નંબર ૦૮માં પાણીની પાઈપલાઈન નાખવાના કામમાં ટેન્ડર મુજબની ઊંડાઈને બદલે માત્ર અડધો ફૂટ ખોદીને કામ આટોપી લેવાયું હતું, જેની ફરિયાદ બાદ કામ બંધ કરાયું હતું.

હાલમાં પાણીની ટાંકી નજીક બનાવવામાં આવી રહેલા સંપના બાંધકામમાં પણ ગેરરીતિની આશંકા છે. ટેન્ડર મુજબ ફરજિયાત એજેક્સ (આધુનિક) મશીન વાપરવાને બદલે રહેણાક મકાનના ધાબા ભરવા માટેના 'કામચલાઉ' મીલર મશીનનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. ધારાધોરણ મુજબ કામ કરવાને બદલે હલકી ગુણવત્તાનું બાંધકામ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ભ્રષ્ટાચાર અને ટેન્ડરના ઉલ્લંઘન અંગે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરીને કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. તંત્ર દ્વારા આ અંગે ક્યારે પગલાં લેવાય છે તેના પર સૌની નજર છે.