કાયદાના કડક અમલ અને ઝડપી દંડાત્મક પ્રક્રિયા થકી ભ્રષ્ટાચાર ઘટાડી શકાય : સર્વે

- મોટાભાગની સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર ઘર કરી ગયો છે
- જ્ઞાનમંજરી યુનિ.ના આર્ટસ વિભાગના છાત્રોએ સંશોધન રજૂ કરી તારણો અને કારણો આપ્યા
યુ.કે., ભારત, યુ.એસ., સ્વીડન, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, આયર્લેન્ડ, ડેનમાર્ક અને ન્યુઝીલેન્ડ જેવા વિવિધ દેશોમાં કાર્યરત ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાઓનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી જ્ઞાનમંજરી યુનિ. આર્ટસ વિભાગના વિદ્યાર્થીઓએ દરેક દેશની ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાઓની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, વર્તમાન મોડેલ, મુખ્ય કેસો અને વહિવટી સુધારાઓ જેવા પાસાઓ પર વિગતવાર માહિતી એકત્રિત કરી હતી. સંશોધનના મુખ્ય તારણો અંતર્ગત ભ્રષ્ટાચારના સ્તરને ઘટાડવામાં મજબૂત કાયદાકીય માળખું, પારદર્શક સરકારી વ્યવસ્થા અને નાગરિકોની સક્રિય ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ભારત માટે લોકપાલ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, ઇ-ગવર્નન્સ અને લોકશાહી સંસ્થાઓ જેવા મજબૂત કાનુની માળખા હોવા છતાં ઘણા પડકારો કડક અમલીકરણમાં અવરોધ ઉભો કરે છે. ભ્રષ્ટાચારને નાબૂદ કરવા દંડાત્મક પ્રક્રિયા વધુ સુદ્રઢ કરવા, નીતિઓના અમલીકરણનો અભાવ, નાગરિકોમાં કાયદાકીય સંરક્ષણની માહિતીનો અભાવ અને પીડિતોની ન્યાય માટેની લાંબી લડત જેવી સમસ્યાઓ વચ્ચે વધુ પારદર્શિતા, જવાબદારી અને સક્રિય નાગરિક ભાગીદારી ભ્રષ્ટાચારને કાબુમાં લેવામાં વધુ પ્રભાવશાળી સફળતા તરફ દોરી શકે છે. આ સંશોધનનું મુખ્ય નિષ્કર્ષ એ છે કે ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે માત્ર કાયદાકીય માળખું પૂરતું નથી, પરંતુ કડકપણે અમલીકરણ, દંડાત્મક પ્રક્રિયા, સામાજિક જાગૃતિ અને તંત્રની પારદર્શિતા પણ એટલી જ જરૂરી છે.








