વડોદરા કોર્પોરેશનમાં ક્વોટા અને ફોડવારીની રકમ વાપરવામાં વોર્ડ નં.11ના કોર્પોરેટરો સૌથી આગળ : વોર્ડ નં.1ના કોંગેસના કોર્પોરેટરોએ સૌથી ઓછો ક્વોટા વાપર્યો
Vadodara Corporation : નાગરિકોના વિવિધ પ્રશ્નો હલ કરવા અંતર્ગત કામ કરવા તથા તેઓની સુખાકારી માટે કોર્પોરેશન દ્વારા તમામ કોર્પોરેટરોને ક્વોટા અને ફોડવારીની રકમ દર વર્ષે બજેટમાં ફાળવવામાં આવતી હોય છે. જેમાં તેઓએ નાગરિકોના પ્રશ્નના હલ કરવા તથા વિવિધ કામ દ્વારા તેઓની સુખાકારી માટે આ રકમ વાપરવાની હોય છે. નાણાકીય વર્ષ 2024-25ની સ્થિતિની વાત કરીએ તો, વિવિધ વોર્ડ પૈકી વોર્ડ નંબર 1માં કોર્પોરેટરોનો ક્વોટા સૌથી વધુ વણવપરાયેલો રહ્યો હતો. જ્યારે વોર્ડ 11માં કોર્પોરેટરોએ સૌથી વધુ પોતાના ક્વોટાનો ઉપયોગ કરી લીધો છે. બીજી તરફ વોર્ડ નંબર 4માં ફોડવારીની પૂરેપૂરી રકમ હજુ વણવપરાયેલી છે. જ્યારે વોર્ડ નંબર 11ના કોર્પોરેટરોએ ફોડવારીની પૂરેપૂરી રકમ વાપરી કાઢી છે.
લોકોના પ્રશ્નોની વિવિધ રજૂઆત અંતર્ગત કામ કરવા માટે કોર્પોરેશન દ્વારા દરેક કોર્પોરેટરને ક્વોટા અને ફોડવારીની ફાળવણી થતી હોય છે. પ્રત્યેક કોર્પોરેટરને રૂ.22 લાખનો ક્વોટા અને રૂ.12 લાખની ફોડવારીની રકમ ફાળવવામાં આવતી હોય છે. જે નાગરિકોની વિવિધ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેઓની સુખાકારી માટે વાપરવાની હોય છે. કોર્પોરેટરોને ફાળવવામાં આવેલ આ રકમ તેઓએ બે નાણાકીય વર્ષ દરમિયાન ગમે ત્યારે વાપરવાની હોય છે. હાલ કોર્પોરેટરને ફાળવવામાં આવેલ આ રકમ પૈકી નાણાકીય વર્ષ 2024-25ની ઘણી રકમ હજુ પણ વપરાયેલી છે. હવે આગામી દિવસોમાં ગમે ત્યારે ચોમાસુ શરૂ થવાનું છે અને એને કારણે થતા કામની ઝડપ ઘટી શકે તેમ છે! તે પછી ડિસેમ્બર મહિનામાં સંભવતઃ યોજનાર કોર્પોરેશનની ચૂંટણીના પગલે આદર્શ આચાર સહિતા લાગુ થવાની સાથે જ આ રકમ વાપરવા પર રોક લાગી જશે. જેથી મોટાભાગની આ રકમ વણવપરાયેલી રહે તેવી પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા પણ જોવાઈ રહી છે. તો બીજી તરફ પાર્ટી વર્તમાન કોર્પોરેટરોને ટિકિટ ન આપે તો આ રકમ આગામી નવા કોર્પોરેટર તેનો ઉપયોગ કરી શકે તેમ છે. ત્યારે મોટેભાગે વર્તમાન કોર્પોરેટરોએ આ રકમ ઝડપથી વાપરી લોકોની સુખાકારી વધારવાની તાતી જરૂરિયાત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જે કોર્પોરેટર ખાસ વિસ્તારમાં નથી ફરતા અને લોકો સાથે સીધો સંપર્ક નથી ધરાવતા તેઓને સ્થાનિક પ્રશ્નો અંગે ખાસ માહિતી નથી તેથી તેઓની વધુ રકમ વપરાયેલી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
વિવિધ પ્રશ્ને વારંવાર રજૂઆત કરનાર વોર્ડ 1ના કોર્પોરેટર ક્વોટાની રકમ વાપરવામાં કેમ પાછળ ?
નાગરિકોના પ્રશ્નો મામલે વોર્ડ નંબર 1ના કોંગ્રેસના તમામ કોર્પોરેટરો વિવિધ કક્ષાએ વારંવાર ઉગ્ર રજૂઆત કરતા રહેતા હોય છે. સામાન્ય સભામાં પણ તેઓ દ્વારા સૌથી વધુ રજૂઆત થતી હોય છે. પરંતુ બીજી તરફ કોર્પોરેશને ફાળવેલ ક્વોટામાં સૌથી વધુ તેમની જ રકમ વણવપરાયેલી રહી છે. આ બાબત એક એવી ચાડી ખાય છે કે, લોકોના પ્રશ્નોની રજૂઆત કરનાર કોર્પોરેટરો પોતાના ક્વોટા કેમ વાપરી શક્યા નથી?
વોર્ડ નંબર 4ના કોર્પોરેટરોએ એકપણ રૂપિયાની ફોડવારીની રકમ વાપરી નહીં
કોર્પોરેટરના ક્વોટા અને ફોડવારીની રકમ વાપરવાની વાત કરીએ તો વોર્ડ નંબર 4ના કોર્પોરેટરોએ એકપણ રૂપિયાની ફોડવારી વાપરી નથી. નાણાકીય વર્ષ 2024-25ના આંકડા મુજબ, તેઓની રૂપિયા 48 લાખની પૂરેપૂરી રકમની ફોડવારી વણવપરાયેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેટરો ક્વોટા પોતાની મરજીથી ઈચ્છે તે પ્રમાણે વાપરી શકે છે જ્યારે ફોડવારીના ઉપયોગ માટે વોર્ડના ચારેય કોર્પોરેટરની મંજૂરી અનિવાર્ય છે. જે વોર્ડમાં ચારે કોર્પોરેટરો વચ્ચે સંકલન સારું હોય ત્યાં ફોડવારીની રકમ ઝડપથી વાપરી શકાય તેવું જોવા મળ્યું છે.