કોર્પોરેટરના ભાઇ પર દીવાલ પડતા ગંભીર ઇજાથી મોત
કમર, ખભા, જમણી આંખ તથા ગુપ્ત ભાગે ઇજા થઇ હતી

વડોદરા,માંજલપુરમાં કોર્પોરેટરની સાઇટની ઓફિસ તોડતા સમયે નજીકમાં ઊભેલા તેમના પિતરાઇ ભાઇ પર દીવાલ પડતા ગંભીર ઇજા થતા મોત થયું હતું. જે અંગે માંજલપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
માંજલપુર દરબાર ચોકડી પાસે ઓરા મેમરિઝ નામની સાઇટનું કામ પૂરૃં થતા તેની ઓફિસ તોડવાનું કામ જે.સી.બી. દ્વારા ચાલતુ હતું. ગઇકાલે બપોરે સાડા બાર વાગ્યે તોડફોડ કરતા સમયે ઓફિસની આઠ ફૂટ ઉંચી દીવાલ તૂટીને બિલ્ડર અને કોર્પોરેટર મનિષ પગારના કાકાના દીકરા સાહેબરાવ મુરલીધર પગાર, ઉં.વ.૪૬ (રહે. સન રાઇઝ રેસિડેન્સી ,હોટલ લિજેન્ડની પાછળ, તરસાલી બાયપાસ) પર પડતા કમર, ખભા, જમણી આંખ તથા ગુપ્ત ભાગે ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. રાત્રે તેઓનું મોત થતા મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. માંજલપુર પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

