Gujarat

કોર્પોરેટરો અને અધિકારીઓ નિષ્ક્રીય બનતા ગટર ઉભરાવા મામલે અનિલ સ્ટાર્ચ પાસે લોકોનો રોડ બ્લોક કરી વિરોધ

By GS TEAM
3 Sep 20252 mins read
કોર્પોરેટરો અને અધિકારીઓ નિષ્ક્રીય બનતા  ગટર ઉભરાવા મામલે અનિલ સ્ટાર્ચ પાસે લોકોનો રોડ બ્લોક કરી વિરોધ

અમદાવાદ,બુધવાર,3 સપ્ટેમબર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટર્મ પુરી થવા આડે પાંચ મહીના બાકી છે. આમ છતાં કેટલાક વોર્ડમાં કોર્પોરેટરો અને અધિકારીઓ નિષ્ક્રીય બનેલા જોવા મળે છે. ઈન્ડિયા કોલોની વોર્ડમાં દસ દિવસથી રોડ ઉપર ગટરના ગંદા પાણી ઉભરાઈ રહયા છે. વરસાદમાં ઉબડખાબડ બનેલા રોડ રીસરફેસ કરવા સ્થાનિકો તરફથી કોર્પોરેટરો અને કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ વારંવાર રજુઆત કરાઈ હતી.આમ છતાં તંત્રના બહેરા કાન સુધી ફરિયાદ ન પહોંચતા વિફરેલા લોકોએ બુધવારે સવારના સમયે રોડ બ્લોક કરી ચકકાજામ કરતા વાહન ચાલકો અટવાઈ પડયા હતા.

ઈન્ડિયા કોલોની વોર્ડમાં અનિલ સ્ટાર્ચ મિલની સામે અશોક મિલની જુની ચાલી આવેલી છે. આ ચાલીમાં ખોડિયાર મંદિર સુધીના રોડ ઉપર છેલ્લા દસ દિવસથી ગટરો ઉભરાઈ રહી છે.આ અંગે સ્થાનિક કોર્પોરેટરો અને  વોર્ડ અને ઝોનના અધિકારીઓને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નહતો.ઉપરાંત સોનિયા સિરામિક ચાર રસ્તાથી હિરાવાડી ચાર રસ્તા સુધી તથા સુહાના હોટલ સુધી, વિજય મિલ નેળીયા વાળો રોડ, હનુમાનપુરાની ચાલી, ભૈરોસિંહ શેખાવત આવાસ તરફનો રોડ ખુબ ખરાબ હાલતમાં છે. કોર્પોરેશનના અધિકારીઓએ વરસાદ બંધ થયા પછી રોડ રીપેર કરાશે એવો જવાબ આપ્યો હતો. શહેરમાં ઘણા દિવસથી વરસાદ બંધ છે. આમ છતાં રોડ રીપેર કરાતા નથી.વિસ્તારમાં ઠેરઠેર કચરાના ઢગલાં પડેલા છે.જેને કારણે લોકો વિવિધ રોગનો ભોગ બની રહયા છે. આ અગાઉ પણ સ્થાનિકોએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધી રજુઆત કરી હતી. છતાં કોઈ પરિણામ નહીં મળતા લોકોએ રોડ ઉપર ઉતરી રોડ બ્લોક કરતા કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા હતા.લોકોએ આક્રોશ વ્યકત કરતા અરવિંદ મિલ બી.આર.ટી.એસ.બસ સ્ટેન્ડ ઉપર  કરાયેલા ચકકાજામની પરિસ્થિતિ થાળે પાડી હતી.

કોર્પોરેટર દીઠ વર્ષે રુપિયા ૪૦ લાખનુ બજેટ છતાં આ પરિસ્થિતિ

કોર્પોરેશન દરેક વોર્ડમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર દીઠ વર્ષે રૃપિયા ૪૦ લાખનુ બજેટ આપે છે. ઈન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપના કોર્પોરેટરો  ભરત કાકડીયા, ભાવિક પટેલ ઉપરાંત નિતુબેન પરમારનો સમાવેશ થાય છે.જયારે પદ્માબેન બ્રહ્મભટ્ટ કોંગ્રેસના કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે.

ડીસિલ્ટીંગની કામગીરી શરુ કરાઈ છે,વિશાલ ખનામા

ઈન્ડિયા કોલોની વોર્ડમાં રોડ ઉપર ઉભરાતા ગટરના પાણી મામલે કોર્પોરેશનના અધિકારી વિશાલ ખનામાએ કહયુ, ગટર ઉભરાવા મામલે ડિસિલ્ટીંગની કામગીરી શરૃ કરાઈ છે.નવી લાઈન નાંખવાની કામગીરી પુરી થતા પંદર દિવસનો સમય થશે.