Gujarat

બાકી વેરો વસૂલવા કોર્પોરેશનની વ્યાજ માફી યોજનાને મોળો પ્રતિસાદ

By GS TEAM
26 Mar 20262 mins read
બાકી વેરો વસૂલવા કોર્પોરેશનની વ્યાજ માફી યોજનાને મોળો પ્રતિસાદ

મિલકત વેરામાં ૩૩ કરોડની રાહત આપવામાં આવી છતાં

૨૫ દિવસ ફક્ત પોણા ત્રણ કરોડ રૃપિયાની વસૂલાત થઈ શકી ઃ પહેલી એપ્રિલથી એડવાન્સ વસૂલાત

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષોેથી બાકી મિલકત વેરાના ૧૦૦ કરોડ રૃપિયા વસૂલવા માટે વ્યાજ માફી યોજના અમલમાં મૂકી હતી પરંતુ આ યોજનાને ગાંધીનગરના નાગરિકોએક જાણે મોળો પ્રતિસાદ આપ્યો હોય તેમ લાગી રહ્યું છે. ૨૫ દિવસમાં ફક્ત પોણા ત્રણ કરોડ રૃપિયાની વસુલાત થઈ શકી છે. જેથી આ યોજનાને લંબાવવામાં આવે તેમ લાગી રહ્યું છે.

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યા બાદ અલગ અલગ રહેણાંક અને કોમશયલ મિલકતો પાસેથી મિલકત વેરો વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે ઘણા મિલકત ધારકો સમયસર કોર્પોરેશનને વેરો ભરી દે છે પરંતુ અત્યાર સુધીમાં ઘણી મિલકતો પાસેથી ૧૦૦ કરોડ રૃપિયાના મિલકત વેરો વસૂલવાનો થતો હતો. જેના કારણે મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી વેરો નહિ ભરનાર આ મિલકત ધારકોને રાહત આપવા માટે વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી હતી. જેથી આ મિલકતધારકે મૂળ રકમ જ કોર્પોરેશનને ભરવાની થતી હતી અને બાકી વેરા ઉપર વસૂલવામાં આવતું વ્યાજ માફ કરવાનું નક્કી કર્યું હતું. ૧૦૦ કરોડ રૃપિયાના આ બાકી મિલકત વેરામાંથી ૩૩ કરોડનું વ્યાજ માફ કરવામાં આવે તો ૬૭ કરોડનો વેરો વસૂલ કરવાનો થતો હતો. જો કે એક માર્ચથી આ વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી હતી પરંતુ ૨૫ માર્ચ સુધીમાં હજી સુધી પોણા ત્રણ કરોડ રૃપિયાનો જ મિલકત વેરો ભરાયો છે એટલે વ્યાજ માફી યોજના છતાં લોકો કોર્પોરેશનમાં વેરો ભરવા માંગતા નથી તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસમાં આ યોજના લંબાવવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે અથવા તો વસુલાત માટે કડક પગલાં પણ ભરવામાં આવી શકે છે. બીજી બાજુ એક એપ્રિલથી એડવાન્સ મિલકત વેરા વસુલાતની યોજના પણ કોર્પોરેશન દ્વારા શરૃ કરવામાં આવનાર છે.