Gujarat

સુરેન્દ્રનગર મનપાના ઇલેક્ટ્રિક વિભાગના કર્મીઓની હડતાળથી શહેરમાં અંધારપટ

By GS TEAM
24 Feb 20262 mins read
સુરેન્દ્રનગર મનપાના ઇલેક્ટ્રિક વિભાગના કર્મીઓની હડતાળથી શહેરમાં અંધારપટ

વીમા કવચ વિના કામ કરવાનો ઇનકાર

વર્ક ઓર્ડર વગર કર્મચારીઓના જીવના જોખમે કામ કરાવવાની અધિકારીઓની જીદ ઃ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની?

કર્મચારીઓના વીમા ઉતારવા માટે 'વર્ક ઓર્ડર' અનિવાર્ય 

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઇલેક્ટ્રિક વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે શહેરની જનતાને અંધારામાં રહેવાનો વારો આવ્યો છે. કોન્ટ્રાક્ટ એજન્સીને જરૃરી 'વર્ક ઓર્ડર' ન ફાળવવામાં આવતા બીજા દિવસે પણ ઇલેક્ટ્રિક વિભાગના કર્મચારીઓ કામથી અળગા રહ્યા હતા. આ હડતાળના કારણે સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર અને રતનપર સહિતના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળી હતી.

 

વીજ પુરવઠો ખોરવાવા અંગેની ૧૦૦ થી વધુ ફરિયાદો મળવા છતાં, ટેકનિકલ આદેશના અભાવે કર્મચારીઓએ રિપેરિંગ કામગીરી કરવાથી સાફ ઇનકાર કરી દીધો હતો. પરિણામે, અનેક મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અંધારપટ સર્જાયો હતો.

ઇલેક્ટ્રિક વિભાગમાં ફરજ બજાવતા અંદાજે ૩૦ જેટલા કર્મચારીઓ અત્યાર સુધી વીમા કવચ વિના જોખમી કામગીરી કરતા હતા. કોન્ટ્રાક્ટ એજન્સીનું કહેવું છે કે, કર્મચારીઓના વીમા ઉતારવા માટે અધિકૃત 'વર્ક ઓર્ડર' હોવો અનિવાર્ય છે. જો કામગીરી દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની? આ ગંભીર સવાલ સાથે એજન્સી અને કર્મચારીઓએ જ્યાં સુધી વીમા પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી પોલ પર ચડવાની ના પાડી દીધી છે.

કોન્ટ્રાક્ટ એજન્સી સતત મહાનગરપાલિકાના ધક્કા ખાઈ રહી છે, પરંતુ અધિકારીઓ પોતાની મનમાની ચલાવી વર્ક ઓર્ડર આપી રહ્યા નથી. અધિકારીઓ અને એજન્સી વચ્ચેની આ લડાઈમાં સામાન્ય નાગરિકોની સુવિધા અને કર્મચારીઓની સુરક્ષા બન્ને જોખમાઈ રહ્યા છે.