Get The App

શહેરની ટ્રાફિક સમસ્યા માટે કોર્પોરેશન જવાબદાર, ૨૦૨૧માં સરકારે મંજુર કરેલી પાર્કિંગ પોલીસીનો અમલ ના કરાયો

પોતાના વાહનો રોડ ઉપર પાર્ક કરનાર કોર્પોરેશન લોકોને રોડ ઉપર તેમના વાહનો પાર્ક કરવા બદલ દંડ કરે છે

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
શહેરની ટ્રાફિક સમસ્યા માટે કોર્પોરેશન જવાબદાર, ૨૦૨૧માં સરકારે મંજુર કરેલી પાર્કિંગ પોલીસીનો અમલ ના કરાયો 1 - image

અમદાવાદ,મંગળવાર,23 ડિસેમ્બર,2025

અમદાવાદની હાલની ટ્રાફિક સમસ્યા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન જ જવાબદાર છે.વર્ષ-૨૦૨૧માં ગુજરાત સરકારે અમદાવાદ માટે મંજુર કરેલી પાર્કિંગ પોલીસીનો અમલ હવે ચાર વર્ષે ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે કરાવવા તંત્ર હરકતમાં આવ્યુ છે. પાર્કિંગ સ્પેસ નહી મળવાના કારણે કોર્પોરેશનના જ વાહનો અલગ અલગ રોડ ઉપર પાર્ક કરાય છે. આમ છતાં શહેરીજનો જો તેમના વાહનો રોડ ઉપર પાર્ક કરે તો તેને લોક મારી દેવાય છે કે દંડ કરાય છે.ડાહી સાસરે ના જાય એ કહેવત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રે સાચી સાબિત કરી છે.

આજથી બાર વર્ષ પહેલાં વર્ષ-૨૦૧૩-૧૪માં મ્યુનિસિપલ કોર્પોરેશનને જી.પી.એમ.સી.એકટની જોગવાઈ મુજબ પાર્કિંગ પોલીસી બનાવવા માટે સરકાર તરફથી કહેવામા આવ્યુ હતુ.આમ છતાં એ સમયની સ્ટેન્ડિંગ કમિટીએ શહેરમા એક સમાન પાર્કિંગ પોલીસી બનાવવાની વાત સ્વીકારી નહોતી.જે તે સમયે શહેર માટે પાર્કિંગ પોલીસી બનાવવા માટે તાતા કન્સલ્ટન્સીને રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી પણ આપવામા આવી હતી.આ ઉપરાંત ગુજરાત કોમ્પ્રિહેન્સીવ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન મુજબ,શહેરના દરેક મુખ્ય રસ્તાઓ ઉપર મીનીમમ ઓનરોડ પાર્કિંગ તથા નવા બનતા દરેક બિલ્ડિંગ માટે ફરજિયાત પાર્કિંગ જેવા નિયમો અમલમા છે જ.સરકારના નિયમોને પણ એકબાજુ ઉપર મુકી દઈને વર્ષ-૨૦૧૩મા મ્યુનિસિપલ કોર્પોરેશનના એ સમયના શાસકોએ મલ્ટિલેવલ પાર્કિંગના નામે નવો અખતરો શરૃ કર્યો.કાંકરિયા હોય કે નવરંગપુરા કે પછી સિંઘુભવન અને પ્રહલાદનગર મલ્ટિલેવલ આ તમામ પાર્કિંગમાં લોકો વાહન કરવા તૈયાર જ નથી.નવાઈની વાત એ છે કે, રાજય સરકારે ચાર વર્ષ પહેલા શહેર માટે પાર્કિંગ પોલીસીના અમલને મંજુરી આપી હતી.જેનો હવે અમલ કરાવવા કોર્પોરેશન તંત્ર નીકળ્યુ છે.

અનેક બિલ્ડિંગમાં પાર્કિંગની જગ્યામા દુકાનો બની ગઈ

કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની બેદરકારીના કારણે હાલમા શહેરના મોટાભાગના વિસ્તારમા એવા અનેક બિલ્ડિંગ છે કે જેમા  પાર્કિંગની જગ્યામા વાયોલેશન કરી દુકાનો બનાવી દેવાઈ છે. આ દુકાનો તોડવાની કોર્પોરેશનમા હિંમત નથી. દુકાનો તોડવા સુચના આપે તો રાજકારણીઓના આગામી સામાન્ય ચૂંટણીમા મત અને ફંડ બંને ઉપર બ્રેક લાગી જાય એવી સ્થિતિ છે.

વાહન પાર્ક કરવા જગ્યા છે કે કેમ એ વિગત માંગવી જોઈએ

અમદાવાદમા આજે ઘર દીઠ ત્રણ વાહનો લોકો રાખે છે.મોંઘી દાટ ગાડીઓ રાખવાવાળા પાસે તે ગાડી પાર્ક કરવા માટેની જગ્યા છે કે કેમ એની વિગત માંગ્યા પછી જ ગાડી ખરીદે એ માટે આર.ટી.ઓ.સાથે સંકલન કરવુ જોઈએ. આ કશુ કોર્પોરેશનને કરવુ જ નથી.

રોડ ઉપર પાર્ક કરાતા વાહનો જપ્ત કરો, અગાઉ લકઝરીઓ જમા કરાઈ હતી

કોર્પોરેશને શહેરની ટ્રાફિક સમસ્યાને નિયંત્રણમા લેવા રોડ ઉપર આડેધડ પાર્ક કરાતા વાહનો પોલીસની મદદથી જપ્ત કરવા જોઈએ.ભૂતકાળમા એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે વિવિધ રોડ ઉપર પાર્ક કરાતી લકઝરીઓ જમા કરતા ભારે હોબાળો થયો હતો.