Gujarat

પાંચ વર્ષમાં આર્બીટ્રેશનમાં ૬૦ કેસમાં કોર્પોરેશનની હાર થતાં તમામ કેસની વિજિલન્સ તપાસ ત્રણ મહીનામાં પુરી કરવા આદેશ કરાયો

By GS TEAM
25 Aug 20252 mins read
પાંચ વર્ષમાં આર્બીટ્રેશનમાં ૬૦ કેસમાં કોર્પોરેશનની હાર થતાં  તમામ કેસની વિજિલન્સ તપાસ ત્રણ મહીનામાં પુરી કરવા આદેશ કરાયો

અમદાવાદ,સોમવાર,25 ઓગસ્ટ,2025

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગ સામે પાંચ વર્ષમાં  આર્બીટ્રેશનમાં ૬૦ કેસ કરવામાં આવ્યા હતા.તમામ ૬૦ કેસ અને રુપિયા ૧૦૪ કરોડના એવોર્ડ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરુધ્ધમાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેશનની હાર થયેલા તમામ કેસની વિજિલન્સ તપાસ ત્રણ મહીનામાં પુરી કરવા આદેશ કર્યો છે.જેને લઈ આજે મળનારી લીગલ કમિટી સમક્ષ મંજુરી માંગતી દરખાસ્ત મુકાઈ છે.દરમિયાન કોર્પોરેશને ૬૦ કેસમાં કોમર્શિયલ કોર્ટમાં અપીલ કરવાનો નિર્ણય કર્યો છે. કોર્પોરેશન તરફથી કોમર્શિયલ કોર્ટમાં અપીલ થવાના કારણે રુપિયા ૧૦૪ કરોડનાં એવોર્ડ ચૂકાદો ના આવે ત્યાં સુધી આપવાના રહેશે નહીં. એમ સત્તાવારસૂત્રમાંથી જાણવા મળ્યુ છે.નોંધનીય છે કે, કોર્પોરેશન દ્વારા બહાર પડાતા તમામ ટેન્ડરમાં છ મહીના અગાઉથી જ કોઈ પણ પ્રકારના વિવાદમાં આર્બીટ્રેશનમાં જવાની જોગવાઈ રદ કરી દેવાઈ છે.

  મ્યુનિ.ની વિરુધ્ધમાં આવેલા કેસ પાછળ વિવિધ વિભાગોની સાથે લીગલ વિભાગના અધિકારીઓની પણ બેદરકારી છતી થઈ હતી.વર્ષ-૧૯૯૮માં ટી.પી.સ્કીમ. નંબર-૧, વટવા,નારોલ-ઘોડાસરમાં મ્યુનિ.ના ડ્રેનેજ પ્રોજેકટ માટે આર.સી.સી. પાઈપ લાઈન ખરીદી માટે ટેન્ડર કરવામાં આવ્યુ હતુ. આ ટેન્ડર સંદર્ભમાં કોન્ટ્રાકટર શશી આર શાહ દ્વારા રુપિયા ૧.૧૯ કરોડ ઉપરાંત ૧૮ ટકા વ્યાજ મ્યુનિસિપલ તંત્ર ચૂકવે એ માટે આર્બીટ્રેટર સમક્ષ વર્ષ-૨૦૧૦માં ફરિયાદ કરવામાં આવી હતી.આ કેસમાં આર્બીટ્રેટર તરીકે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ હતા.આ ફરિયાદ સંર્ભમાં ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૦ના રોજ એવોર્ડ પસાર કરી કોન્ટ્રાકટરને રુપિયા ૧૫.૩૭ લાખ ઉપરાંત ૧૬ ટકા વ્યાજ ચૂકવવા મ્યુનિસિપલ કોર્પોરેશનને હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમ સામે મ્યુનિ.તંત્ર દ્વારા કોમર્શિયલ કોર્ટમાં વર્ષ-૨૦૧૩માં ફરિયાદ દાખલ કરાઈ હતી. જેમાં સીનીયર એડવોકેટ હરેશ શાહે હાજર રહી દલીલ કરતા ૨૫ ઓકટોબર-૨૦૨૪ના રોજ કોર્ટે આર્બીટ્રેટર તરફથી કરવામાં આવેલા હુકમને રદબાતલ કરતા મ્યુનિ.તંત્રને કોન્ટ્રાકટરને રુપિયા ૨.૧૬ કરોડની રકમ ચૂકવવાની રહેશે નહીં.આમ પાંચ વર્ષ પછી પહેલો ચૂકાદો કોર્પોરેશનની તરફેણમા આવ્યો હતો.લીગલ કમિટીમાં હાલમાં ચાલી રહેલા  વિવિધ કામોમાં ભવિષ્યમાં  કોર્પોરેશનને આર્થિક નુકસાન ના થાય તે માટે તકેદારી માટે લેવાના થતા પગલા તથા વિજિલન્સ તપાસના તારણો તપાસ પુરી થયા પછી સ્ટેન્ડિંગકમિટી સમક્ષ રીપોર્ટ રજૂ કરાશે.

દસ કરોડથી વધુની કિંમતની મ્યુનિ.માલિકીની જમીનને લઈ ૫૩ દાવા

અમદાવાદના સાત ઝોનમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની રુપિયા દસ કરોડ કે તેથી વધુ કિંમતની જમીન પૈકી પશ્ચિમ ઝોનમાં ૨૫,દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧૦, પૂર્વ ઝોનમાં ૧૨, દક્ષિણ ઝોનમાં  ૨ તથા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ચાર જમીન માટે વિવિધ કોર્ટમાં દાવા ચાલી રહયા છે.